યાદીમાં જાહેર કરાયેલા પ્લેટફોર્મમાંથી કોઈ વ્યવહાર ન કરવા અપીલ કરાઈ
આરબીઆઇએ ફોરેક્સ ટ્રેડિંગ કરનારા ગેરમાન્ય પ્લેટફોર્મને લઈને એલર્ટ લિસ્ટ જાહેર કર્યું છે જેમાં એવી ટ્રેડિંગ કંપનીઓ અને એન્ટિટીઓના નામ જાહેર કર્યા છે, જેઓ નિયમ વિરુદ્ધ ફોરેક્સ ટ્રેડિંગ માટે ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પ્લેટફોર્મ ચલાવી રહ્યા છે.
રિઝર્વ બેન્કે એલર્ટ લિસ્ટ જાહેર કરવાની સાથે એક પરિપત્રમાં જણાવ્યુ કે, આ એન્ટિટીઓ અને ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ- 1999 (ફેમા) હેઠળ કરન્સી ટ્રેડિંગ માટે અધિકૃત નથી અને ફોરેક્સ ટ્રાન્ઝેક્શન હેતુ ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પ્લેટફોર્મ ચલાવવા માટે પણ અધિકૃત નથી. આવી એન્ટિટીઓ અને ટ્રેડિંગ પ્લેટફોર્મે ફોરેક્સ ટ્રેડિંગ માટે આવશ્યક મંજૂરીઓ મેળવી નથી અને તેમની તે અંગે કોઇ સત્તાવાર મંજૂરી પણ આપવામાં આવી નથી. રિઝર્વ બેન્કે ગત ફેબ્રુઆરીમાં પણ જાહેર જનતાને અનધિકૃત ઈલેક્ટ્રોનિક ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ પર ફોરેક્સ ટ્રાન્ઝેક્શન ન કરવા અથવા અનધિકૃત ફોરેક્સ ટ્રેડિંગ માટે નાણાં મોકલવા તથા રકમ જમા ન કરવા ચેતવણી આપી હતી.
ગેરમાન્ય જાહેર થયેલા 34 પ્લેટફોર્મની યાદી
રિઝર્વ બેન્કની એલર્ટ યાદીમાં અલ્પારી, એની એફએક્સ, એવા ટ્રેડ, બિનોમો, ઇ ટોરો, એક્સનેસ મ, એક્સપર્ટ ઓપ્શન, એફબીએસ, ફિન એફએક્સ પ્રો, ફોરેક્સ.કોમ, ફોરેક્સ4મની, ફોક્સોરેક્સ, એફટીએમઓ, એફવીપી ટ્રેડ, એફએક્સ પ્રીમસ, એફએક્સ સ્ટ્રીટ, એફએક્સસીએમ, એફએક્સ નાઇસ, એફએક્સટીએમ, હોટફોરેક્સ, આઇબેલ માર્કેટ્સ, આઈસી માર્કેટ્સ, આઈફોરેકસ, આઈજી માર્કેટ્સ, આઇક્યુ ઓપ્શન, એનટીએક્સફોરેક્સ ટ્રેડિંગ, ઓકટા એફએક્સ, ઓલિમ્પ ટ્રેડ, ટીડી અમેરીટ્રેડ, ટીપી ગ્લોબલ એફએક્સ, ટ્રેડ સાઇટ એફએક્સ, અર્બન ફોરેક્સ, એક્સએમ, એક્સટીબીનો સમાવેશ થાય છે.
મંજૂરી પ્રાપ્ત પ્લેટફોર્મ પરથી જ વ્યવહાર કરવાની સલાહ
રિઝર્વ બેન્ક પાસેથી મંજૂરી પ્રાપ્ત અથવા માન્ય સ્ટોક એક્સચેન્જો જેવા કે, એનએસઇ, બીએસઇ અને મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જ દ્વારા અધિકૃત ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પ્લેટફોર્મ પર ફોરેક્સ ટ્રેડિંગ કરવા રોકાણકારોને સલાહ અપાઇ છે.