ઘર પાસે અપશબ્દો બોલવાની ના પાડતા ત્રણ શખ્સોએ માર માર્યો
મોરબી રવાપર ગામ પાસે રહેતા દંપતીએ તેમના ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા ઈસમોએ દંપતીને ઢોર માર માર્યો હતો. જે સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં રવાપર ગામ ખાતે રહેતા દીનેશભાઇ ગોવિંદભાઇ સાગઠીયાનાં ઘર પાસે રાહુલ મેઘજી ચાવડા નામનો ઈસમે અપશબ્દો ભાંડતો હોય જે અંગે ફરીયાદી દીનેશભાઇએ તેને અહીં ગાળો બોલવાની ના પાડતા આરોપીએ એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને જમણા પગમાં કુહાડીનો બુંધરાટીનો એક ઘા માર્યો હતો. તેમજ ફરિયાદીના પત્નીને પણ ડાબા પગમાં કુહાડીનો બુંધરાટીનો ઘા મારી સામાન્ય ઇજા કરી તેમજ અનિલ મેઘજી ચાવડા નામના ઈસમે સ્થળ પર ઘસી આવી ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી નાઝાભાઇ જીવભાઇ ચાવડાએ મારી નાખવાની ધમકી આપી તેમજ હંસાબેન મેધજીભાઇ ચાવડાએ ગાળો બોલી ઝગડો કરતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.