જિલ્લા કલેકટર, રાજકોટ રેન્જ આઈજી અને જિલ્લા પોલીસવડાને રજૂઆત કરાઈ: ‘અબતક’ મીડિયા હાઉસની મુલાકાતે આવેલા પ્રતિનિધિ મંડળે પૈસાની મામલો હોવાનો કર્યો આક્ષેપ
પડધરીના આંબેડકરનગરના યુવાન ટ્રેકટર વેંચાણના પૈસાની પ્રશ્ને થયેલ મન દુ:ખ અંગે પડધરી પોલીસમાં ચાર યુવાનો સામે એટ્રોસીટી અંગે નોંધાયેલા કેસમાં ખોટી રીતે ફીટ કરવામાં આવ્યાના આક્ષેપ સાથે પડધરી પંથકના સામાજીક આગેવાનોએ જિલ્લા કલેકટર, રાજકોટ રેન્જ આઈજી અને જિલ્લા પોલીસવડાને રજૂઆત કર્યા બાદ ‘અબતક’ મીડિયા હાઉસની મુલાકાતે આવેલા પ્રતિનિધિ મંડળે પૈસાની લેતીદેતીની સામાન્ય બાબતમાં જ્ઞાતિ અંગે હડધૂત કર્યાની ગુનામાં ખોટી રીતે ફસાવ્યાનો આક્ષેપ કર્યો છે.
પડધરીના આંબેડકરનગરમાં રહેતા અશોકભાઈ મેપાભાઈ મકવાણાએ ગત તા.૧૧ માર્ચે મોરબીના મહેશ પિતાંમ્બરભાઈ રાઠોડ, નરેશ બોરીચા, શૈલેષ આદિવાસી અને પડધરી તાલુકાના મોવૈયા ગામના ભરતભાઈ તળપદા સામે એટ્રોસીટી અંગે પડધરી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
એટ્રોસીટીનો ગુનો નોંધાતા પડધરી પંથકના સામાજીક આગેવાનોએ જિલ્લા કલેકટર, રાજકોટ રેન્જ આઈજી અને જિલ્લા પોલીસવડાને રજૂઆત કર્યા બાદ ‘અબતક’ મીડિયા હાઉસની મુલાકાતે આવી એટ્રોસીટી અંગેની ફરિયાદ ખોટી રીતે નોંધાવ્યામાં આવી હોવાનું સમગ્ર ઘટના ટ્રેકટર વેંચાણના પૈસાની લેતીદેતીની હોવાનું જણાવ્યું હતું.
અશોકભાઈ મકવાણાએ મોરબીના મહેશભાઈ રાઠોડને ટ્રેકટર વેંચાણ આપ્યું હતું. ત્યારે રૂ.૨.૯૫ લાખ રોકડા ચૂકવી આપી આરટીઓની એનઓસી ફોર્મમાં સાઈન કરાવી હતી. મહેશભાઈ રાઠોડ ટ્રેકટર પોતાના નામે કરાવવા ગયા ત્યારે ટ્રેકટરના મુળ માલીક અશોકભાઈ મકવાણાએ સોંગદનામુ સહિતની વિગતો રજૂ કરવાનું જણાવવામાં આવ્યું હતું. આથી મહેશભાઈ રાઠોડે ટ્રેકટરના મુળ માલીક અશોકભાઈને સોગંદનામુ કરી આપવાનું જણાવતા તેઓએ ટ્રેકટર વેંચાણ ન કર્યાનું અને માસીક રૂ.૮ હજારથી ભાડે ચલાવવા આપ્યું હોવાનું જણાવ્યું હતું.
મહેશભાઈ રાઠોડે રૂ ૨.૯૫ લાખ ચૂકવી આપ્યા હોવા છતાં વેંચાણ કર્યાનો અશોકભાઈ ઈન્કાર કરી એટ્રોસીટીના ગુનામાં ફસાવ્યાનો પ્રતિનિધિ મંડળે આક્ષેપ કર્યો છે.મોવૈયાના ભરતભાઈ તળપદા ટ્રેકટર વેંચાણની ઘટના કે એટ્રોસીટીની કોઈ ઘટના જાણતા ન હોવાનું અને તેઓ અશોકભાઈ મકવાણા અને મહેશભાઈ રાઠોડ વચ્ચે સમાધાન કરાવવા ગયા હોવાથી તેઓની સામે જ્ઞાતિ અંગે હડધૂત કર્યાનો ગુનો નોંધાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.