ગર્ભ પરીક્ષણના ગુન્હામાં આરોપીઓને તાત્કાલિક છોડી મુકવાનો કોર્ટનો આદેશ
પોલીસ તપાસની થીયરી જ શંકાના દાયરામાં છે : એડવોકેટ ગોકાણીની સફળ રજૂઆત
પોલીસની અધિકાર વગરની ગર્ભપરીક્ષણ કાયદા હેઠળની તપાસ શંકાયુક્ત હોવાની મુખ્ય દલીલ : રિમાન્ડની અરજી ફગાવ્યા બાદ તમામ આરોપીઓ કસ્ટડીમાંથી મુકત
રાજકોટ શહેરમાં ચકચાર મચાવનાર ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા પકડાયેલ ડોકટર સહીત તમામ સ્ટાફ અને ગર્ભવતી મહીલાના સાત દિવસના રીમાન્ડની અરજી ફગાવી અદાલતે તમામ આરોપીઓને જામીન મુકત કરતા પોલીસની કાર્ય પઘ્ધતિ સામે અનેક સવાલો ઉભા થયા છે. ખરેખર ગર્ભ પરીક્ષણના કેસમાં આરોગ્ય અધિકારીએ તપાસ કરવાની હોય છે અને આરોગ્ય અધિકારીએ જ ગુન્હો દાખલ કરાવવાનો હોય છે, જરૂર પડ્યે આરોગ્ય વિભાગ કહે તો પોલીસે મદદ માટે આવવાનું હોય છે તેવું સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૨૦માં આપેલા ચુકાદામાં કહેવામાં આવ્યું છે. પરંતુ આ કેસમાં વિપરીત પરિસ્થિતિ સર્જાઈ હતી. પોલીસે બાતમીના આધારે રેઇડ કરીને રેકેટ પકડ્યું અને આરોગ્ય અધિકારીને ફરિયાદી બનાવી દીધા હતા.
શહેરમાં ચકચાર મચાવનાર ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા પકડાયેલ આયુર્વેદ ડોકટર સહીત તમામ સ્ટાફ અને ગર્ભવતી મહિલાના પોલીસે માગેલી સાત દિવસના રિમાન્ડની અરજી ફગાવી અદાલતે તમામ આરોપીઓને જામીન મુકત કરવા હુકમ કર્યો છે. આ પ્રકરણમાં પોલીસની અધિકાર વિનાની તપાસની કાર્ય પધ્ધતિ સામે સવાલો ઉભા કરાયા હતા.
આ કેસની હકીકત એવી છે કે, રાજકોટ શહેર પોલીસે મળેલ બાતમીના આધારે બી.ટી.સવાણી હોસ્પિટલ પાછળ આવેલી શિવશકિત કોલોની બ્લોક નં. ૨૦૪ વાળા ઓમ મકાનમાં ગેરકાયદે ગર્ભ પરિક્ષણ મામલે એક મહિલા, ડોકટર તથા બીજો એક શખસ બાબતે મ્યુ. કોર્પોરેશનનાં નાયબ આરોગ્ય અધીકારી ડો. પંકજ વી. રાઠોડને જાણ કરી સાથે રાખી દરોડો પાડવામાં આવતા દરોડાના સ્થળેથી ભાવનગર રોડ મેરામબાપાની વાડી વિસ્તાર સીલ્વર બેકરી પાછળ આજીનગર-૩ માં રહેતા બી.એચ.એમ.એસ. ડોકટરની ડીગ્રી ધરાવતાં મુકેશ ઘોઘાભાઈ ટોળીયા (ભરવાડ) ઉ.વ. ૨૭ તથા ધોરાજી રહેતા અને હાલ ડ્રાઈવિ઼ગ કરતાં તેમજ અગાઉ નરસિંગનો અને કમ્પાઉન્ડરનો લાંબો અનભવ મેળવી ચુકેલા અવેશ રફીકભાઈ પીંજારા (ઉ.વ.૩૩ રહે. ધોરાજી નગરપાલિકાની પાછળની શેરી, ત્રણ દરવાજા પ્લેટીનિયમ પાર્ક બ્લોક નં. ૬) તથા ગર્ભ પરીક્ષણ કરાવવા માટે આ બંને પાસે આવેલી મહિલા નયનાબેન ચેતનભાઈ નાગજીભાઈ વણીસીયા-કુંભાર (રહે. થાન, સર્વોદય સોસાયટી, તરણેતર રોડ) સામે પીસી એન્ડ પીએન એન્ડ પીટી એકટ-૧૯૯૪ કલમ ૩, ૪, ૫, ૬, ૧૮, ૨૩, આઈ.પી.સી. ૧૧૪ મુજબ ગુનો નોંધી ત્રણેયને સકંજામાં લીધા હતા.
પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ ડો. મુકેશ ટોળીયા અને અવેશ પીંજારા પાસે ગાયનેકને લગતી કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી ન હોવા છતા અને ગાયનેકને લગતી કોઈ સારવાર આપી શકતા ન હોવા છતાં થાનના નયનાબેનને ગર્ભ પરિક્ષણ માટે રાજકોટ બોલાવ્યા હતાં. મહિલાના પરીક્ષણ માટે રૂા. ૧૦ હજાર ફી નકકી કરી હતી, જે ત્રણેયની ધરપકડ કરી વિશેષ તપાસમાં ગ્રાહકો શોધી આપવામાં મેટોડાની હોસ્પિટલની નર્સ જીજ્ઞા વિઠ્ઠલભાઈ ઝાલા (રહે. સુત્રાપાડા, ગીર-સોમનાથ)ની સંડોવણી ખુલતાં ચારેય ઈસમોની ધરપકડ કરી સાત દિવસની રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરેલ હતા.
પોલીસે રિમાન્ડ અરજીમાં મુકેલ કેસ પ્રમાણે ડો. મુકેશ ટોળીયા નેપાળથી પોર્ટેબલ સોનોગાફી મશીન ત્રણેક લાખમાં ખરીદી લાવ્યો હતો અને ઈન્ટરનેટની મદદથી સોનોગ્રાફી શીખી લીધી હતી. છેલ્લા ચાર પાંચ મહિનાથી તે ફરતો ફરતો અને ફોન પર કામ મળે એ રીતે ગર્ભ પરીક્ષણ કરી આપતો હતો. અવેશની મદદથી સોનોગ્રાફી મશીન અને બીજા જરૂરી સાધનો ડોકટરે ખરીદ કર્યા હતા. તેં નર્સિંગને લગતાં કામમાં પણ મદદરૂપ થતો હતો.
ગ્રાહક પાસેથી પંદર હજાર લેવામાં આવે તો અવેશને પાંચ હજાર અને દશ હજર લેવામાં આવે તો અવેશને ત્રણ હજાર કમિશન મળતું હતું. મશીનનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત હોય છે તે પણ ન કરાવી ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરી આપવાનું ગેરકાનૂની કૃત્ય બદલ પોલીસે ડોકટર તથા તેના સાથીદારના સાત દિવસના રિમાન્ડની માંગણી અદાલતમાં કરી હતી.
અદાલતમાં આરોપી ડોકટર વતી એડવોકેટ તુષાર ગોકાણીએ પોલીસની અટકાયત જ ગેરકાયદેસરની હોય રિમાન્ડની અરજીનો નિર્ણય કરતા પહેલા પોલીસની કસ્ટડી ખરેખર કાયદેસરની છે કે કેમ તે નકકી કરવું જોઈએ તેવી અરજી આપતા રાજકોટની અદાલતમાં લાંબી કાનૂની કશ્મકસના મંડાણ થયેલ હતા. એડવોકેટ ગોકાણી દ્વારા તમામ અરજીઓની દલીલો કરતા જણાવાયેલ કે, પોલીસે ધી પ્રિ કોન્સેપ્શન એન્ડ પ્રિનેટલ ડાયેગ્નોટીકસ એકટની આદેશાત્મક જોગવાઈઓને ઉવેખીને માત્ર મીડીયા પબ્લિસિટી મેળવવા આરોપીઓની ખોટી રીતે ધરપકડ કરી લીધેલ છે. પોલીસે લગાવેલ કાયદાની કલમો મુજબ પોલીસને ગુન્હો દાખલ કરવાની જ કોઈ સતા કે અધીકાર નથી. અદાલતમાં સીધી ફરીયાદ દાખલ કરવી જોઈએ. જે સંદર્ભે સર્વોચ્ચ અદાલતના વિવિધ ચૂકાદાઓ ટાંકી વિસ્તૃતપણે દલીલો કરી હતી.
તમામ પક્ષકારોની દલીલોના અંતે અદાલત દ્વારા પોલીસે કરેલ રિમાન્ડની માંગણી ફગાવી દઈ તમામ આરોપીઓને જામીન પર મુકત કરવા આદેશ અપાયો હતો.. આ કામમાં આરોપીઓ તરફે એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, ઈશાન ભટ્ટ, વિરમ ધ્રાંગીયા રોકાયેલ હતા.
પોલીસે કરેલી અટક જ ગેરકાયદેસર હોવાની એડવોકેટ ગોકાણીની દલીલ
અદાલતમાં આરોપી ડોકટર વતી એડવોકેટ તુષાર ગોકાણીએ પોલીસની અટકાયત જ ગેરકાયદેસરની હોય રિમાન્ડની અરજીનો નિર્ણય કરતા પહેલા પોલીસની કસ્ટડી ખરેખર કાયદેસરની છે કે કેમ તે નકકી કરવું જોઈએ તેવી અરજી આપતા રાજકોટની અદાલતમાં લાંબી કાનૂની કશ્મકસના મંડાણ થયેલ હતા. એડવોકેટ ગોકાણી દ્વારા તમામ અરજીઓની દલીલો કરતા જણાવાયેલ કે, પોલીસે ધી પ્રિ કોન્સેપ્શન એન્ડ પ્રિનેટલ ડાયેગ્નોટીકસ એકટની આદેશાત્મક જોગવાઈઓને ઉવેખીને માત્ર મીડીયા પબ્લિસિટી મેળવવા આરોપીઓની ખોટી રીતે ધરપકડ કરી લીધેલ છે.
પોલીસે લગાવેલ કાયદાની કલમો મુજબ પોલીસને ગુન્હો દાખલ કરવાની જ કોઈ સતા કે અધીકાર નથી. અદાલતમાં સીધી ફરીયાદ દાખલ કરવી જોઈએ. જે સંદર્ભે સર્વોચ્ચ અદાલતના વિવિધ ચૂકાદાઓ ટાંકી વિસ્તૃતપણે દલીલો કરી હતી.
શું છે સુપ્રીમ કોર્ટનો ચુકાદો ?
આરોપીઓ વતી એડવોકેટ ગોકાણીએ દલીલ કરતા વર્ષ ૨૦૨૦માં સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાને ટાંકતા કહેવાયું હતું કે, આ પ્રકારના ગુન્હામાં પોલીસની કોઈ ભૂમિકા જ રહેતી નથી. આ ગુન્હામાં આરોગ્ય અધિકારીએ જ તપાસ કરવાની હોય છે અને તેને જ ગુન્હો દાખલ કરાવવાનો હોય છે. જો આરોગ્ય અધિકારીને જરૂર જણાય તો પોલીસની મદદ લેવાય છે પરંતુ અહીં પોલીસે પોતે જ રેઇડ કરીને ગુન્હો દાખલ કરી દીધો અને આરોપીઓની ધરપકડ પણ કરી લીધી. ગોકાણીએ કહ્યું હતું કે, ખરેખર પોલીસ અટકાયતી પગલાં પણ લઈ શકે નહીં.