અશ્વિને 98મી ટેસ્ટ મેચમાં આ મહત્વની સિદ્ધિ મેળવી
અબતક, રાજકોટ
રાજકોટમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમવામાં આવી રહેલી ટેસ્ટ મેચમાં ભારતના સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઈતિહાસ રચ્યો છે. આ મેચ દરમિયાન રવિચંદ્રન અશ્વિને પોતાની 500 વિકેટ પૂરી કરી લીધી છે. અશ્વિને મેચના બીજા દિવસે જેક ક્રાઉલીને આઉટ કરીને આ ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. રવિચંદ્રન અશ્વિન ટેસ્ટમાં 500 વિકેટનો આંકડો પાર કરનાર બીજો ભારતીય ખેલાડી છે.
અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 500 વિકેટ લેનારો બીજો ભારતીય બોલર છે. અશ્વિને 98મી ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવી છે. ટેસ્ટમાં સૌથી ઝડપી 500 વિકેટ લેવાનો રેકોર્ડ મુથૈયા મુરલીધરનના નામે છે, જેણે 87મી ટેસ્ટમાં આ અનોખી સિદ્ધિ મેળવી હતી. જ્યારે પૂર્વ ભારતીય કેપ્ટન અનિલ કુંબલેએ 105 ટેસ્ટમાં આ રેકોર્ડ બનાવ્યો હતો અને ઓસ્ટ્રેલિયાના સ્વર્ગસ્થ સ્પિનર શેન વોર્ને તેની 108મી ટેસ્ટમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. એટલે કે સૌથી ઝડપી ગતિએ 500 વિકેટ લેવાના મામલે અશ્વિને શેન વોર્ન અને અનિલ કુંબલેને પાછળ છોડી દીધા છે.