રવિકુમાર ભારદીયાની સ્મૃતિમાં દાનની સરવાણી કરતા અમુભાઇ ભારદીયા
રાજકોટ ખાતે છેલ્લાં 60 વર્ષથી દિવ્યાંગ મૂક-બધિર બાળકોને બધિર શિક્ષણ તથા તાલીમ આપતી સંસ્થા શ્રી છગનલાલ શામજી વિરાણી બહેરા મૂંગા શાળા નવા આધુનિક શૈક્ષણિક તથા વોકેશનલ ટ્રેનીંગ તેમજ કુમાર-ક્ધયા છાત્રાલયના બિલ્ડીંગો દાતાઓનાં સહકારથી બાંધી રહી છે.
પૂ.ધીરગુરૂદેવના અનુગ્રહથી સંપૂર્ણ નવનિર્માણ પ્રોજેક્ટ અંતર્ગત ડો.પી.વી.દોશી માધ્યમિક શાળા અમુભાઈ માટે નૂતનીકરણ ભવન નિર્માણમાં રવિકુમાર ભારદીયા ફાઉન્ડેશન (રવિ ટેકનોફોર્જ પ્રા.લી.વાળા અમુભાઇ ભારદીયા) તરફથી રૂ.51 લાખનું માતબર દાન ઘોષિત કરતા ઉમંગ છવાયો હતો. આ પ્રસંગે રવિ ટેકનોફોર્જ પ્રા.લી.ના ચેરમેન અમુભાઈ ભારદીયા, ડીરેક્ટર, શ્રીમતી રંજનબેન અમુભાઈ ભારદીયા, શાંતિભાઈ ભારદીયા, જગદીશભાઈ ભારદીયા, વિનુભાઈ ભારદીયા તેમજ જામનગર ગુર્જર સુથાર જ્ઞાતિના પ્રમુખ રમણીકભાઈ ગોરેચા, ટ્રસ્ટી દયાળજીભાઈ ભારદીયા, ડો.હિમાંશુભાઈ આમરણીયા, મિતલબેન આમરણીયા, કન્યા છાત્રાલયના ટ્રસ્ટી ધનજીભાઈ પંચાસરા, મગનભાઈ બોરણીયા, તેમજ અંજલીબેન દુષ્યંતકુમાર ચતુર્વેદી તેમજ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના ભૂતપૂર્વ પ્રમુખ ધનસુખભાઈ વોરાએ પોતાનો કિંમતી સમય ફાળવી સંસ્થાની મુલાકાતે પધાર્યા હતા. શાળાની મૂક-બધિર દીકરીઓ દ્વારા ખુબ સુંદર ગણેશ સ્તુતિ પ્રસ્તુત કરવામાં આવી હતી. મહેમાનોનું સ્વાગત બધિર બાળકો દ્વારા બનાવેલા પુષ્પગુચ્છથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ રજનીભાઈ બાવીશીએ સંસ્થાની વિવિધ પ્રવૃતિઓ તથા વિકાસની માહિતી આપેલ. શાળાના આચાર્ય કશ્યપભાઈ પંચોલી દ્વારા નવા આધુનિક નૂતનીકરણ પ્રોજેક્ટની પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે ટ્રસ્ટી પ્રશાંતભાઈ વોરા, નરેન્દ્રભાઈ દવે, રાજેશભાઈ વિરાણી તથા બાંધકામ કમિટીના ચેરમેન તારકભાઈ વોરા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગને સફળ બનાવવા માટે શાળાનાં શિક્ષિકા બહેન ક્રિષ્નાબેન મોજીદ્રા, વ્યવસ્થાપક પંકજભાઈ મુછાળા, ડાન્સ ટીચર હંસીલભાઈ ટાંક તથા હિરેનભાઈ પંડ્યાએ જહેમત ઉઠાવી હતી.વિરાણી બહેરા મૂંગા શાળાના પ્રિન્સિપાલ કશ્યપભાઈ પંચોલીએ જણાવ્યું કે, વર્ષ 1962માં 3 બાળકો થી શરૂ કરેલી શાળા આજે 237 બાળકો સાથે વટોવૃક્ષ બનીને ઉભી છે. દિવ્યાંગ મૂકબધીર બાળકોને શિક્ષણની સાથોસાથ આત્મનિર્ભર બનાવવાનું કાર્ય શાળા કરે છે. બાળકોને સમાજમાં બાળકોને માનભેર સ્થાન મળે તે માટે ટ્રસ્ટીઓના માર્ગદર્શન હેઠળ સતત સંસ્થાના કર્મચારીઓ કાર્યરત રહે છે.
જૈન અગ્રણીઓ દ્વારા દાનનો ધોધ વહ્યો
વિરાણી બહેરા-મૂંગા શાળા નૂતનીકરણમાં કુમાર છાત્રાલય ગ્રીન સોલાર એનર્જીમાં ડો.અરૂણાબેન અને ડો.અભયચંદ્ર મહેતા અને રસીલાબેન નગીનદાસ પારેખ હ.મીના હર્ષદ મહેતાએ રૂા.15 લાખ અર્પણ કરેલ છે. જ્યારે રૂા.5 લાખના રૂમ નામકરણમાં ઇન્દિરાબેન સુરેન્દ્રભાઇ વિરાણી-લંડન, સેવંતીલાલ અને હેમાબેન મહેતા-અમેરીકા તેમજ એસ.ડી.ટોલીયા ફાઇન કેમ-મુંબઇ તરફથી શ્રીમતિ ઇલાબેન અને શાંતિલાલ ધરમશી ટોલીયાની સ્મૃતિમાં રૂા.10 લાખ અર્પણ કરી 2 રૂમ નો લાભ લીધેલ છે.
બિલ્ડીંગના નુતનિકરણમાં દાતાઓનો ખૂબ સહયોગ મળ્યો: રજનીભાઈ બાવીશી
વિરાણી બહેરા મૂંગા શાળાના પ્રેસિડેન્ટ રજનીભાઈ બાવીસીએ જણાવ્યું કે, દાતાઓના સહયોગ અને સહકારથી એક વર્ષમાં વિરાણી બહેરા મૂંગા શાળાનો બિલ્ડીંગ અદ્યતન રીતે નૂતનિકરણ થશે. ઇન્ડિયાની ટોપ વન બહેરા મૂંગાની શાળામાં સ્થાન પ્રાપ્ત કરશે. શાળા નુતનિકરણમાં રૂ.51 લાખનું સેવા રૂપી દાન અમુભાઇ ભારદિયાએ કર્યું છે. અન્ય દાતાઓ માટે પ્રેરણા રૂપ બન્યું છે.
સંસ્થામાં સેવા આપવાનો લ્હાવો મળવાનો આનંદ છે: અમુભાઈ ભારદીયા
રવિ ટેક્નોફોર્જના એમ.ડી અમુભાઈ ભારદીયા જણવ્યું કે, વિરાણી બહેરા મૂંગા શાળામાં અમારા દીકરાના નામે સેવાનો લાવો મળતા આનંદ થયો છે. સંસ્થાના કામથી ખૂબ પ્રેરણા મળી છે. સમાજમાં લોકો આવા કાર્યોમાં જોડાવા જરૂરી છે. આવો સેવાનો લ્હાવો મળતા હું મને અને મારી કંપનીને ભાગ્યશાળી માનું છું.