- દુકાનદારો દ્વારા બબ્બે વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોર્પોરેશન દ્વારા કોઇપણ પગલાં ન લેવાયા: જીવલેણ દુર્ઘટનાનો ભારોભાર ભય
શહેરના વોર્ડ નં.7માં રાષ્ટ્રીય શાળા સામે 18-મનહર પ્લોટમાં આવેલા રવિ કિરણ એપાર્ટમેન્ટની હાલત ખખડધજ બની જવા પામી છે. જર્જરિત બિલ્ડીંગનો કાટમાળ અને કાચ છાશવારે પડે છે. જેના કારણે નીચે દુકાન ધરાવતા 6 વેપારીઓ પર જીવલેણ જોખમ જળુંબી રહ્યું છે. બબ્બે વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોર્પોરેશન દ્વારા કોઇ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. આજે સવારે વધુ એક વખત બિલ્ડીંગનો જર્જરિત હિસ્સો ધરાશાયી થયો હતો.
મનહર પ્લોટ-18માં આવેલા રવિ કિરણ એપાર્ટમેન્ટનું બાંધકામ ખૂબ જ જુનું છે. અહિં ફ્લેટમાં વસવાટ કરતા લોકો હવે ફ્લેટ ખાલી કરીને અન્ય સ્થળે રહેવા જતા રહ્યા છે. બિલ્ડીંગની હાલત દિનપ્રતિદિન ખૂબ જ ખરાબ થઇ રહી છે. ગત 31-માર્ચના રોજ આ બિલ્ડીંગમાં દુકાન ધરાવતા પ્રભુકૃપા કેમિકલ, શ્રીરામ પ્રિર્ન્ટ્સ, ડો.પ્રતાપભાઇ જોષી, મુકેશ ટ્રેડર્સ, વિજય ટ્રેડીંગ અને ગુરૂકૃપા ફાર્મા કેમિકલના સંચાલકોએ કોર્પોરેશનની બાંધકામ શાખામાં અરજી કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે આશરે 44 વર્ષ જૂના આ રવિ કિરણ એપાર્ટમેન્ટની સ્થિતિ ભયજનક બની ગઇ છે. અવાર-નવાર પ્લાસ્ટરના પોપડા અને બારીના કાચ તૂટી રોડ પર ખાબકે છે. જેના કારણે રાહદારીઓ અને દુકાનદારો પર ભારોભાર જોખમ રહેલું છે. છતાં કોર્પોરેશન દ્વારા છેલ્લા 6 માસથી કોઇ જ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. દરમિયાન આજે સવારે ફરી એક વખત રવિ કિરણ એપાર્ટમેન્ટમાં પ્લાસ્ટરના પોપડા ખાબકતા દુકાનદારોમાં ભયની લાગણી વ્યાપી જવા પામી હતી. તાત્કાલીક અસરથી તમામ દુકાનદારોએ ફરી એક વખત કોર્પોરેશનમાં લેખિતમાં રજૂઆત કરી હતી અને સાથોસાથ એવી પણ વાત મુકી છે કે જો જર્જરિત બિલ્ડીંગના કારણે તેઓને કોઇપણ પ્રકારની તકલીફ ઉભી થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ફ્લેટધારકોની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ કોર્પોરેશન દ્વારા જર્જરિત બિલ્ડીંગોને નોટિસ ફટકારવામાં આવી રહી છે. પરંતુ કોઇ કારણોસર રવિ કિરણ એપાર્ટમેન્ટ સામે કોઇ જ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી.