આપણી ભારતીય સંસ્કૃતિમાં દેવીઓનો ખુબ મહિમા શાસ્ત્રોમાં પણ ગવાયો છે. અમરેલી જીલ્લાનું દડવા ગામ કે જયાં સાક્ષાત રવિરાંદલ માતા બિરાજમાન થયા છે.
દડવા માતાજીનું મુળ સ્થાન છે. અને કેવી રીતે બિરાજમાન થયા માતા રાંદલ દડવા ગામમાં રાંદલ માતાએ સાક્ષાત સૂર્યનારાયણના ધર્મપત્ની છે એટલે જ તે રન્ના દે તરીકે પણ ઓળખાય છે. સાથો સાથ યજ્ઞ શિલ્પી ભગવાન વિશ્ર્વકર્માના પુત્રી છે તથા યમ અને યુમનાના માતા છે. વિશ્ર્વકર્માએ પોતાની પુત્રી રાંદલના વિવાહ સૂર્યનારાયણ સાથે કરાવ્યા હતા. સૂર્ય નારાયણે રાંદલ માતાને મૃત્યલોકમાં જવા કહ્યું ત્યારે અધર્મે વળેલા મનુષ્યોને ધર્મ પર લાવવાનું કામ સોપ્યું હતું. આ સમયે માતા એક નાની બાળકીના રુપે પૃથ્વી પર રણમાં આવ્યા ત્યારે ગુજરાતની ભૂમિ પર ભયંકર દુષ્કાળ પડેલો હોવાથી ગામવાસીઓ ગામ છોડી જતા હતા ત્યારે સૌએ આ બાળકી રુપી માતાને જોયા અને જોતા જ ખુબ વરસાદ થયો, પૃથ્વી પર ફરી જનજીવન શરુ થયું. આ બાળકીને ભાગ્યશાળીથી માની પોતાની સાથે રાખી રણમાંથી મળી હોવાથી તેનું નામ રાંદલ રાખી ઉછેરીને મોટી કરી હતી.
આ ગામનું નામ દડવા પડયું તથા માતા દડવાથી દાતાર કેવી રીતે બની એની પાછળ પણ રહસ્ય છુપાયેલ છે. આ ગામની બાજુનું ગામ છે. વાસાવડ ત્યાના રાજા રોજ પોતાના સિપાહીઓને આ ગામમાં દૂધ તથા દહીંની વસુલી કરવા મોકલતા આ બધુ જોઇ માતાએ ૧૬ વર્ષની સુંદરીનું રુપ લીધુ. ત્યારે સિપાહીઓએ સુંદરીના રુપની બધી વાત રાજાને કરી. રાજાએ સિપાહીઓને સુંદરીને રાજમાં લઇ આવવા આદેશ આપ્યો અને સુંદરીને શોધવા સિપાહીઓ નીકળી પડયા પણ આખાય ગામમાં એ સુંદરી કયાંય જોવા મળી નહી આથી રાજાના સિપાહીઓએ ગામના લોકો પર ચડાઇ કરી અને બંદી બનાવી લઇ જતા હતા ત્યારે એક મહાકાયરુપે ધુળનો વંટોળ બન્યો જેમાં રાજાનું સૈન્ય દડાઇ ગયું આદ્યશકિત જગદંબા માતા એક વિકરાળ રુપે પ્રગટ થયા. સૌ ગામલોકો માતાને પ્રાર્થના કરી વિનંતી કરે છે. મમાતા આપ અમારી સાથે રહો ત્યારે માતા વરદાન આપે છે કે હું અહીં જ રહેવાની છું તમારી સાથે તે દિવસથી તે ગામનું નામ દડવા પડયું હતું.
અહીં ધજા ચડાવવાની વિધિ બાળકોની બાબરીની વિધિ તથા કુવારીકા તેમજ બટુક ભોજન કરાવવામાં આવે છે નવરાત્રીના દરમ્યાન નવચંડી યજ્ઞ થાય છે. ભકિતથી માતાજીને નેવૈદ્ય ધરાવે છે. સાથે મહાપ્રસાદનું આયોજન થાય છે.
મંદીરમાં સવાર તથા સાંજે દીવાની ઝળહળતી જયોત સાથે ઢોલ, નગારા અને નોબતની ઝાલરોથી ભકિતમય માહોલમાં આરતી થાય છે જે કોઇ ભકતો પવિત્ર મનથી રાંદલ માતાને પ્રાર્થના કરે છે તેની સઘળી મનોકામના પૂર્ણ થાય છે જે દંપતિ નિ:સંતાન હોય તેના ઘરે પારણા પણ બંધાઇ જાય છે અનેક કષ્ટોનું નિવારણ થાય છે.
રાંદલમાતાના આ મુળ સ્થાનકે ભકતો તથા શ્રઘ્ધાળુઓ દુર દુરથી પોતાના પરિવારજનો સાથે શીશ નમાવે છે આ મંદીર જીલ્લાની ૩૦ કીમી તથા ગોંડલ તાલુકાથી ૪૦ ના અંતરે દડવા ગામે આવેલ છે.