પંજાબના અમૃતસરમાં જોડા ફાટક નજીક કરુણાંતિકા સર્જાઈ છે. રાવણ દહન જોવા ગયેલા લોકોમાં અફરા-તફરી મચી જતાં ૬૦ લોકો પુરપાટ ઝડપે આવી રહેલી પઠાણકોટ-અમૃતસર ટ્રેનની હડફેટે ચડી ગયા હતા અને ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. કરુણાંતિકા ૫ સેકન્ડ જેટલા સમયમાં જ થઈ હતી.

આ દુર્ઘટનામાં ૫૧ લોકો ઘાયલ થયા છે. પંજાબ સરકાર તરફથી મૃતકના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાની સહાય આપવા જાહેરાત થઈ છે. વડાપ્રધાન મોદીએ મૃતકના કુટુંબીજનોને રૂ.૨ લાખની સહાય અને ઘાયલોને રૂ.૫૦ હજાર આપવાની જાહેરાત કરી છે. વિગતો અનુસાર ગઈકાલે અમૃતસરમાં જોડા ફાટક પાસે રાવણ દહનનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો જે નિહાળવા રેલવે ટ્રેક નજીક મોટી સંખ્યામાં લોકો એકત્રીત થયા હતા. લોકોના ટોળા રેલવે ટ્રેકથી ૩૦ મીટર દૂર રાખેલા રાવણના પુતળાનું દહન નિહાળી રહ્યાં હતા. જે દરમિયાન નાસભાગ મચી જવા પામી હતી. ટ્રેક પર પુરપાટ આવતી ટ્રેનની હડફેટે ૮૦ જેટલા લોકો આવી ગયા હતા. જેમાંથી ૬૦ લોકોના મોત નિપજયા હોવાનું જાણવા મળે છે. જયારે ૨૦ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે.

રાવણ દહન શરૂ થતાં આતશબાજીથી બચવા લોકો રેલવે ટ્રેક તરફ ભાગવા લાગ્યા હતા અને માત્ર ચાર થી પાંચ સેક્ધડમાં જ આ કરુણાંતિકા સર્જાઈ હતી. રેલવે ટ્રેક પર એક જ સમયે બે ટ્રેન નિકળી હતી જેની અફરા-તફરીમાં લોકો ભાન ભૂલી ગયા હતા. વિજયાદશમીએ માનવ ભુલના કારણે અનેક પરિવારો રજળી પડયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.