નેશનલ પ્રોજેકટનો દરજ્જો આપવાથી રાજયો વચ્ચેના વિખવાદના કારણે અટકાઈ જતી યોજનાઓનું જોખમ ઘટશે
જળ પરિવહનને અન્ય પ્રકારના પરિવહનોની જેમ જ વિસ્તારવા માટે સરકાર પ્રયાસો કરી રહી છે. રેલ, માર્ગ અને હવાઈ પરિવહન વધુ મોંઘુ હોવાથી વૈકલ્પીક રીતે જળ પરિવહનનો વિકાસ કરવાનો હેતુ સરકારનો છે. પરિણામે સરકારે માત્ર આંતરરાષ્ટ્રીય જ નહીં પરંતુ આંતર ક્ષેત્રીય જળ પરિવહનને પણ પ્રાથમિકતા આપવાનું શરૂ કર્યું છે. જેના પરિણામ સ્વરૂપ હવે સરકાર નદીઓના જોડાણને રાષ્ટ્રીય પ્રોજેકટનો દરજ્જો આપશે. જેનાથી કોઈ રાજય નદીની સીમા મામલે પોતાના હકક ગણાવી પ્રોજેકટમાં રોડા નાખી શકશે નહીં.
માર્ગ પરિવહનની જેમ જળ પરિવહન વધુ સ્વિકૃત બને તે માટે સરકારે નદીઓના જોડાણની યોજના શરૂ કરી હતી. આ યોજનાના નિર્ણયો ઝડપથી લેવાય તે હેતુથી સ્પેશ્યલ કમીટી રચાઈ હતી. આ કમીટીએ યોજનાને રાષ્ટ્રીય પ્રોજેકટનો દરજ્જો આપવા ભલામણ કરી છે.
કોઈ પણ પ્રોજેકટને રાષ્ટ્રીય પ્રોજેકટનો દરજ્જો આપવાથી રાજય પોતાના હકક મામલે બાખડી શકતા નથી. હાલ એવા ઘણા ઉદાહરણો છે જેમાં બે રાજયોની અંટશના કારણે મહાકાય પ્રોજેકટ અટકી પડયા છે. સરકારના કરોડો રૂપિયા પ્રોજેકટ પાછળ ખર્ચાઈ ગયા બાદ પણ પ્રોજેકટ પુરા થતા નથી. માટે સરકાર ઘણા પ્રોજેકટને નેશનલ પ્રોજેકટનો દરજ્જો આપી દે છે.
જળ પરિવહનને વિકસાવવાથી વ્યવસ્થા પણ ગોઠવાઈ શકે છે જે પરિવહન માટે વધુ યોગ્ય રહેશે તેવું માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીનું માનવું છે. આ માટે સરકારે હજારોની સંખ્યામાં ખરીદીની શકયતા પણ દર્શાવી છે. માર્ગ પરિવહનની જેમ જળ પરિવહનને પણ અગત્યતા અપાઈ તે માટે સરકારે બંદરોના નિર્માણની કામગીરી પણ શરૂ કરી છે. જળ પરિવહન અન્ય પરિવહનની સરખામણીએ વધુ સસ્તુ હોવાથી ઉદ્યોગીક ક્ષેત્રમાં તેનો ભરપુર ઉપયોગ થઈ શકે છે.
સરકારે બંદરોની આસપાસ ઔદ્યોગીક એકમો બાંધવા માટે કલસ્ટર ઝોનની જાહેરાત પણ કરી છે. જેનો સીધો અર્થ એ થાય છે કે, ભવિષ્યમાં જળ પરિવહનના માધ્યમથી જ વધુને વધુ માલ વાહક જહાજોની હેરાફેરી થશે. બંદરોની આસપાસ બનાવેલા ઝોનના પરિણામે વાહન વ્યવહાર પાછળ થતો ખર્ચ ખૂબજ ઘટી જશે જેનો સીધો ફાયદો સરકાર અને ઉદ્યોગોને થશે.