કોરોનાની વૈશ્વિક મહામારીના સમયમાં ગુજરાતની કોઈ પણ ગરીબ વ્યક્તિ અનાજની અછત ન ભોગવે અને રાજયનો કોઇપણ વ્યક્તિ ભૂખ્યો ન રહે તે માટે ચિંતિત રાજ્ય સરકારે જરૂરીયાતમંદ છેવાડાના નાગરિક પ્રત્યે સંવેદના દર્શાવી સતત ત્રીજા મહિને પણ ગરીબ અને મધ્યમવર્ગના લોકો સુધી વિના મુલ્યે અનાજનો પુરવઠો પહોંચાડ્યો છે.
રાજ્ય સરકારની ગરીબ અને મધ્યમવર્ગના લોકો સુધી અનાજ પુરવઠો પહોંચાડવાની કટિબધ્ધતા અન્વયે રાજકોટ જિલ્લામાં પ્રથમ અને બીજા તબક્કા દરમિયાન જરૂરીયાતમંદ ગરીબ અને મધ્યમ વર્ગના લાભાર્થીઓ સુધી વિના મુલ્યે અનાજ પહોંચાડવામાં આવ્યું હતું. જે અંતર્ગત ત્રીજા તબક્કામાં જૂન માસ દરમિયાન રાજકોટ જિલ્લામાં તા. ૧૫મી જૂનથી વિના મુલ્યે અનાજ વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે તા. ૨૧ જુન સુધીમાં ૧ લાખ ૭૪ હજારથી વધુ NFSA, PMGKAY અને NON NFSA BPL રાશનકાર્ડ ધારકોને રાશન આપવામાં આવ્યું છે.
જેમાં રાજકોટ શહેરમાં ઝોન-૧મા ૧૦,૦૩૨, ઝોન-૨(બે)મા ૧૦,૧૮૮, ઝોન-૩મા ૬,૯૯૯ અને ઝોન-૪મા ૮૯૪૪ મળી કુલ ૩૬,૧૬૩ રાશનકાર્ડ ધારકોને અનાજ વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાઓ પૈકી રાજકોટના ૧૪,૪૩૪, લોધીકાના ૫,૮૭૮, કોટડા સાંગાણીના ૧૦,૨૧૩, ગોંડલના ૨૦,૫૯૮, જેતપુરના ૧૨,૨૩૬, જામકંડોરણાના ૪,૯૩૧, ધોરાજીના ૧૭,૫૬૪, પડધરીના ૧૦,૧૪૧, ઉપલેટાના ૧૧,૦૪૨, જસદણના ૧૩,૭૬૨, વીંછીયા ૧૭,૭૮૩ મળી કુલ ૧,૩૮,૫૮૨ રાશનકાર્ડ ધારકોને અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે.
આમ કુલ ૧,૭૪,૭૪૫ જેટલા રાશનકાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનેથી અનાજ વિતરણ કરવામાં આવ્યું છે. આમ ગત તા. ૨૧ જૂન સુધીમાં ૬૦.૫૪ % જેટલા લાભાર્થીઓમાં અનાજ વિતરણ થયું હોવાનું જિલ્લા પુરવઠા અધિકારીશ્રી પૂજા બાવડાની યાદીમાં જણાવાયું છે.