અ અને બ વર્ગની નગરપાલિકાઓમાં સિવિક સેન્ટરની સુવિધા ઉભી કરાશે

દેશમાં દરેક  નાગરિકોને  પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા નલ સે જલ યોજના શરૂ કરવામાં આવી છે. રાજકોટ ઝોનની 29 નગરપાલીકાઓમાં નલ સે જલ યોજના પ્રોજેકટને બહાલી આપવામાં આવી છે.

‘જયાં નાગરિક ત્યાં સુવિધા’ અને ‘હર ઘર જળ’ની નેમ સાથે ગુજરાત સરકાર મિશન મોડમાં કાર્ય કરી રહી છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં નગર-શહેરી વિસ્તારોમાં અનેકવિધ વિકાસકાર્યો પ્રગતિમાં છે. રાજકોટ ઝોનની 29 નગરપાલિકાઓમાં ઘરે ઘરે નળથી પેયજળ પૂરું પાડવા માટે વિવિધ પ્રોજેક્ટસને મંજૂરી આપી દેવામાં આવી છે. નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર ધીમંત વ્યાસે જણાવ્યું હતું કે, ઝોનમાં 44.47 કરોડ રૂપિયાના ખર્ચે તમામ ઘરોમાં પીવાનું પાણી પુરૂં પાડવા માટેના કામો કરવામાં આવશે. જે પૈકીના 16 કામો પ્રગતિ હેઠળ છે, જ્યારે અન્ય કામો ટેન્ડર લેવલે છે.

રાજકોટ ઝોનમાં 7,55,555 મિલકતો છે. જેમાં હાલ 3.58 લાખ મિલકતોમાં નળ કનેક્શન લાગેલા છે. જ્યારે બાકીની મિલકતોને આ પ્રોજેક્ટ હેઠળ આવરી લેવાશે. મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ઝોનની નગરપાલિકાઓમાં ચાલતા અન્ય વિકાસકાર્યોની વિગતો આપતા   વ્યાસે કહ્યું હતું કે, ‘અ’ તથા ‘બ’ વર્ગની નગરપાલિકાઓમાં સિવિક સેન્ટરની સુવિધા ઊભી કરવામાં આવશે. હાલમાં દ્વારકા, ગાંધીધામ અને ભચાઉમાં સિવિક સેન્ટરોના નિર્માણની કામગીરી ચાલી રહી છે.

ટૂંક સમયમાં જ તેનું લોકાર્પણ કરાશે.ઝોનની સાત નગરપાલિકામાં રેન બસેરા બનાવવાનું કામ પણ પ્રગતિમાં છે. ગોંડલ, જેતપુર, ખંભાળિયા, મોરબીમાં બિલ્ડિંગો પણ તૈયાર થઈ ચૂક્યા છે. ભુજમાં હાલ કામચલાઉ બિલ્ડિગમાં રેનબસેરા કાર્યરત છે. જ્યારે ગાંધીધામમાં કામચલાઉ શેલ્ટરને જ કાયમી રેનબસેરામાં તબદીલ કરાશે. પોરબંદર અને દ્વારકામાં પ્રવાસીઓ તથા યાત્રિકોની અવર-જવરને અનુલક્ષીને કામચલાઉ રેનબસેરાના સ્થાને નવા રેનબસેરાના બાંધકામ દરખાસ્ત કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.