ચેરમેન પુષ્કરભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આજે બપોરે રાજકોટ મહાનગર પાલિકામાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તમામ 18 દરખાસ્તોને મંજૂરીની મહોર મારી રૂ.1.95 કરોડના વિકાસકામોને બહાલી આપવામાં આવી હતી. ચેરમેનના મત વિસ્તાર એવા વોર્ડ નં.9માં અલગ-અલગ વિસ્તારોમાં પેવિંગ બ્લોકના કામો 13 ટકા ઓછા ભાવે કરી આપવા કોન્ટ્રાક્ટર સહમત થતાં કોર્પોરેશનને રૂ.90 હજારનો ફાયદો થવા પામ્યો છે.
આ અંગે વધુ માહિતી આપતા ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તમામ 18 દરખાસ્તોને બહાલી આપવામાં આવી છે. વોર્ડ નં.9માં વિશ્ર્વકર્મા સોસાયટીમાં જનભાગીદારી યોજના હેઠળ રસ્તાના સાઇડ સોલ્ડરમાં ઇન્ટર લોકીંગ પેવિંગ બ્લોક નાંખવા માટે રૂ.28.71 લાખ મંજૂર કરવામાં આવ્યા છે.
જ્યારે ચંદન પાર્કમાં પેવિંગ બ્લોકના કામ માટે રૂ.28.71 લાખ, નેમિનાથ સોસાયટી, વિતરાગ સોસાયટી અને દિપક સોસાયટીમાં પેવિંગ બ્લોકના કામ માટે રૂ.17.40 લાખ અને બોમ્બે હાઉસીંગ સોસાયટી તથા અર્ચના પાર્કમાં પેવિંગ બ્લોકના કામ માટે રૂ.21.75 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. વોર્ડમાં અલગ-અલગ વિસ્તારમાં પેવિંગ બ્લોકના કામ માટે ડાઉન ભાવો આવતા કોન્ટ્રાક્ટરને તમામ કામ 13 ટકા ડાઉન ભાવે કરી આપવા જણાવ્યું હતું.
- જે માટે સહમત થતાં કોર્પોરેશનને રૂ.90 હજારનો ફાયદો થવા પામ્યો છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે આ ઉપરાંત વોર્ડ નં.2માં સુભાષનગર તથા નરસિંહનગર વિસ્તારમાં પેવિંગ બ્લોક કરવા માટે રૂ.32.28 લાખ, વોર્ડ નં.6માં જૈન દેરાસર મેઇન રોડ પર પેવિંગ બ્લોકના કામ માટે રૂ17.97 લાખ અને વોર્ડ નં.4માં સતનામ પાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં પેવિંગ બ્લોક નાંખવા માટે રૂ.11.43 લાખ મંજૂર કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત વોર્ડ નં.13માં ગીતાનગર અને ખોડીયારનગરમાં ડિમોલીશન બાદ ટીપીના રસ્તા પર મેટલીંગ કરવા માટે રૂ.16.73 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના ઉપયોગ માટે મેલેથીયોન પાવડર ખરીદવા રૂ.7.20 લાખ કર્મચારીઓને તબીબી આર્થિક સહાય માટે રૂ.6.18 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.