અમદાવાદમાં પણ આષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન થાય છે. અહીં ૧૪૦ વર્ષથી રથયાત્રા યોજાય છે. ઈ.સ.૨૦૧૭માં યોજાતી રથયાત્રા ૧૪૦મી રથયાત્રા છે. અહીં જમાલપુરમાં આવેલાં ૪૦૦ વર્ષ જૂના જગન્નાથ મંદિરમાંથી સવારે રથયાત્રાનો પ્રારંભ થાય છે અને કુલ ૧૪ કિ.મી.નું અંતર કાપી સાંજે ફરી મંદિરે આવે છે.
આ રથયાત્રાના એક પખવાડીયા પહેલાં, એટલે કે જેઠ માસની પૂનમને દિવસે જગન્નાથજીનો સ્નાન ઉત્સવ (જલયાત્રા) યોજાય છે. આ પ્રસંગે મંદિરમાં રહેલી મૂર્તિઓને સરઘસ સ્વરૂપે સાબરમતી નદીના કિનારે પવિત્ર સ્નાન માટે લઈ જવાય છે. આ યાત્રામાં ૧૮-૨૦ હાથીઓ સાથે હજારો ભક્તો, માથે પીતળનાં પાણી ભરેલા ઘડા લઈને જોડાય છે. સ્નાન પછી મૂર્તિઓને સરસપુરના રણછોડજી મંદિરે લઈ જવાય છે. ત્યાં વિરામ પછી જગન્નાથજી મંદિરે પરત લવાય છે અને ત્યાં હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં મહાઅભિષેક કરવામાં આવે છે.
રથયાત્રા સવારે ૭-૦૦ વાગ્યાની આસપાસ શરૂ થાય છે. એ પહેલાં પરંપરાગત રીતે ગુજરાતના મુખ્યમંત્રી મંગલા આરતી (પ્રભાતની પહેલી આરતી)માં હાજર રહે છે અને રથયાત્રાના માર્ગની સફાઈના પ્રતિકરૂપ “પહિંદ વિધી” કરે છે. રથયાત્રા બપોરે સરસપુર ખાતે રોકાય છે. જ્યાં સ્થાનિક નિવાસીઓ દ્વારા ભગવાન જગન્નાથ અને સઘળાં યાત્રીકો, શ્રદ્ધાળુઓને મહા ભોજ (પ્રસાદીરૂપે ભોજન) કરાવાય છે.
સાંજે ૮-૩૦ આસપાસ રથયાત્રા ફરીને જગન્નાથ મંદિરે પરત આવે છે. આ રથયાત્રામાં ત્રણ મુખ્ય રથો સાથે ૧૮-૨૦ શણગારેલા હાથી અને વિવિધ અખાડાનાં સાધુઓ અને તેમનાં મહંતોની સવારીઓ પણ હોય છે. અમદાવાદની રથયાત્રા પુરીની રથયાત્રા પછીની દ્વિતિય ક્રમની સૌથી મોટી અને સૌથી જૂની રથયાત્રા છે.