રતન ટાટાની ‘ડ્રીમ કાર’નું નામ ‘નેનો’ રાખવામાં આવ્યું હતું. આ કાર દુનિયાની સૌથી સસ્તી કાર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. માત્ર લાખ રૂપિયાની કારની ચર્ચા લોકોના હોઠ પર હતી. આ કાર મધ્યમ વર્ગના કુટુંબ માટે સંપૂર્ણ ગણવામાં આવી હતી. જેના બે કારણો હતા – પહેલું તેની કિંમત અને બીજું એ કે આ નાનકડી કારનો કન્ફર્ટ.
10 જાન્યુઆરીના રોજ દિલ્હીના 9મા ઓટો એક્સ્પો ફેરમાં નેનોનું પ્રથમ લૂક સૌની સામે રજૂ કરવામાં આવ્યું હતું. તેને એક નાની સુંદર કાર તરીકે જોવામાં આવી રહી હતી, જેને લોકો ખૂબ પસંદ પણ કરી રહ્યા હતા. કંપનીએ દાવો કર્યો હતો કે, કાર દ્વિચક્રી વાહનો કરતાં ઓછું પ્રદૂષણ ફેલાવશે.
શું એક સમયે ભારતના મધ્યમ વર્ગને સૌથી સસ્તી કારના માલિક બનાવવાના સપના દેખાડતી કાર ઇતિહાસ બની જશે…??? ટાટા મોટર્સની નાની કાર ‘નેનો’ નો હવે ધીરે ધીરે સુર્યાસ્ત થઈ રહ્યો છે. તાતા મોટર્સ એપ્રિલ 2020થી નેનો કારનું ઉત્પાદન અને વેચાણ બંધ કરી શકે છે. રતન તાતાની આ ડ્રીમ કારને બીએસ-6ના હિસાબે અપગ્રેડ કરવાની કંપનીની કોઈ યોજના નથી.
ટાટા મોટર્સના પેસેન્જર વ્હિકલ બિઝનેસ યુનિટના પ્રેસિડેન્ટ મયંક પરીકે ગુરુવારે હૈદરાબાદમાં પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “નેનોનું ઉત્પાદન સાણંદ પ્લાન્ટમાં થાય છે. અને જાન્યુઆરીથી નવા નિયમો લાગુ થઈ રહ્યા છે. એપ્રિલમાં વધુ નિયમો આવશે. એપ્રિલ 2020થી બીએસ-6 માપદંડ પણ લાગુ થશે. તમામ ઉત્પાદનોને આ હિસાબે અપગ્રેડ કરી શકાય તેમ નથી. રતન ટાટાએ નેનોને દ્વિચક્રી વાહનોનો ઉપયોગ કરનારા લોકોને ધ્યાનમાં રાખીને રજૂ કરી હતી. પરંતુ ભારતીય બજારમાં તેને સારો પ્રતિસાદ મળ્યો નહતો. તેથી આ કાર બંધ થઈ શકે છે. માટે, રતન ટાટા ની ‘નેનો’ કાર ઇતિહાસ બનશે.