- પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીની શબ્દાંજલી
- દેશના વરીષ્ઠ ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના ચેરમેન પદમ વિભૂષીત રતન ટાટાએ મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ગઇકાલે રાત્રે અંતિમ શ્ર્વાસ લેતા દેશભરમાં ભારે શોક છવાયો છે.
રતન ટાટાના અવસાનથી દેશમાં કયારે ન પુરાનારી ખોટ ઉભી થઇ છે. રતન ટાટાની દેશપ્રત્યેની નિષ્ઠા ઉઘોગો માટેની પ્રતિબઘ્ધતા અને કલ્યાણકારી ભાવનાથી રતન ટાટા ગુજરાત – ભારત જ નહી સમગ્ર વિશ્ર્વના ઉદ્યોગપતિઓને સામાન્ય વ્યવસાયકારોથી લઇ બીઝનેશ ટાઇકુન, શાસકો અને રાજવી પરિવારોમાં એક આદર પાત્ર સ્થાન ધરાવતા હતા.
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
ભારતના ‘રતન’ટાટાના અવસાનના પગલે રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉંડા દુ:ખની લાગણી સાથે એ મહામાનવને શ્રઘ્ધાંજલી આપતા જણાવેલ કે રતન ટાટાની વિદાયથી હું ખુબ દુ:ખી છું. તે મહામાનવ ઉઘોગ જગતમાં એક એવા દિગ્ગજ હતા જેમણે અમારી અર્થ વ્યવસ્થા, વેપારી ઉઘોગમાં ખુબ મહત્વનું યોગદાન આપ્યું હતું. તેમના પરિવાર પ્રત્યે દીલસોજી છે પ્રભુ પાસે પ્રાર્થના કે ઇશ્ર્વર તેમની આત્માને શાંતિ અર્પે તેમ કહી વિજયભાઇ રૂપાણીએ રતન ટાટાને દિવ્યાજંલી અર્પણ કરી હતી.
શ્રેયાંસ સ્કુલ દ્વારા ભારતના અણમોલ રત્ન એવા ‘રત્ન ટાટા’ને શ્રઘ્ધાંજલી અર્પણ
શ્રેયાંસ સ્કુલ (બજરંગવાડી) દ્વારા ભારતના અણમોલ રત્ન એવા રતન ટાટા ને સમગ્ર શાળા પરિવાર તરફથી મૌન પાળીને શ્રઘ્ધાંજલી આપવામાં આવી હતી. ત્યારબાદ શાળાના આચાર્ય કેયુરભાઇ ડોડીયાએ વિદ્યાર્થીઓને રતન ટાટાના જીવનચરિત્ર વિશે માહિતગાર કર્યા અને ભારતના વિકાસમાં તેમનો (રતન ટાટાનો) જે અમૂલ્ય ફાળો છે તેના વિશે સમજાવવામાં આવ્યું.
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મહામાનવને અંજલી
પદ્મવિભુષણ રહી ચુકેલા સ્વ. રતન ટાટાના નિધન બદલ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવ તથા તમામ કારોબારી સભ્યો દ્વારા ઘેરા શોક અને દુ:ખની લાગણી વ્યકત કરી ભાવભીની શ્રઘ્ધાંજલી અર્પણ કરવામાં આવેલછે. પરમકૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરેલ.
રતન ટાટાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા પૂર્વ મંત્રી ડો.વલ્લભભાઈ કથીરિયા.
ભારત સરકાર ના પૂર્વ મંત્રી ડો.વલ્લભભાઈ કથીરિયાએ શ્રી રતન ટાટાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા તેમની સાથેની યાદો તાજા કરતાં 1999-2000માં દિલ્હીમાં યોજાયેલી ઇન્વેસ્ટમેન્ટ ઇન ગુજરાત બેઠકની યાદગાર ક્ષણને યાદ કરી, કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી તરીકે, રતન ટાટા સાથે મુલાકાત કરવાનો અને ચર્ચામાં ભાગ લેવાનો લહાવો મળ્યો. અમે ભારતના ઔદ્યોગિક લેન્ડસ્કેપના વિશેષ રીતે ઓટો મોબાઈલ ઈન્ડસ્ટ્રીના ભાવિ વિશે લાંબી ચર્ચા કરી. શ્રી રતન ટાટાની દ્રષ્ટિ, નમ્રતા અને ભારતની પ્રગતિ પ્રત્યેનું તેમનું સમર્પણ મારા પર અમીટ છાપ છોડી ગયું. રાષ્ટ્રના વિકાસ માટે તેમની ઊંડી પ્રતિબદ્ધતા તેમણે બોલેલા દરેક શબ્દમાં સ્પષ્ટ દેખાતી હતી અને તે સ્પષ્ટ હતું કે તેમના પ્રયાસો માત્ર તેમના સાહસ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશની પ્રગતિ માટે હતા.
ડો. વલ્લભભાઈ કથીરિયા ટાટા પરિવાર, ટાટા ગ્રુપ અને શ્રી રતન ટાટાએ તેમના અદ્ભુત જીવન દરમિયાન સ્પર્શેલા અસંખ્ય જીવનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે એજ પ્રભુ પ્રાર્થના.
રતન ટાટાની વિદાય દરેક ભારતીય માટે દુ:ખદ: મુકેશ અંબાણી
આજનો દિવસ ભારત અને ભારતીય ઉદ્યોગજગત માટે ખૂબ જ દુ:ખદ દિવસ છે. રતન તાતાનું નિધન એ માત્ર તાતા ગ્રૂપ માટે જ નહીં, પરંતુ દરેક ભારતીય માટે એક મોટી ખોટ છે. તેમ રીલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું.
વ્યક્તિગત રીતે રતન તાતાના નિધનથી મને ખૂબ જ દુ:ખ થયું છે કારણ કે મેં એક પ્રિય મિત્ર ગુમાવ્યો છે. તેમની સાથેની મારી અસંખ્ય મુલાકાતોએ મને પ્રેરણા તથા ઊર્જા આપી અને તેમના વ્યક્તિત્વની મહાનતા અને તેમણે મૂર્તિમંત કરેલા માનવીય મૂલ્યો પ્રત્યેના મારા આદરને વધાર્યો હતો.
રતન તાતાના નિધનથી ભારતે તેમના સૌથી પ્રતિષ્ઠિત અને દયાળુ દીકરાઓમાંનો એક દીકરો ગુમાવ્યો છે. શ્રી તાતા ઇન્ડિયાને વિશ્વ સમક્ષ લઈ ગયા અને વિશ્વની શ્રેષ્ઠ વસ્તુઓ ભારતમાં લાવ્યા. રિલાયન્સ, નીતા અને અંબાણી પરિવાર વતી, હું તાતા પરિવારના શોકગ્રસ્ત સભ્યો અને સમગ્ર તાતા જૂથને મારી હૃદયપૂર્વક સંવેદના પાઠવું છું. રતન, તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો. ઓમ શાંતિ. મુકેશ અંબાણી