ઓનલાઈન શિક્ષણ માર્ગદર્શન, ટેસ્ટ, સ્ટુડન્ટ ઓફ ધ મન્થનું પ્રમાણપત્ર આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે કાલાવડ દાવડી પ્રા. શાળાના શિક્ષક
શાળા બંધ છે, શિક્ષણ નહીં આ ઉકિતને યથાર્થ શાબિત કરતા કાલાવડ તાલુકાના દાવલી પ્રા. શાળાના શિક્ષક રસુલભાઈ જમાલભાઈ એરંડીયા આ મહામારીના સમયમાં સંક્રમણને ટાળવા ઓછામાં ઓછી રૂબરૂ મુલાકાતથી વધુમાં વધુ વિદ્યાર્થી સંપર્ક કઈ રીતે થઈ શકે? તેના સફળ પ્રયત્નો કરી અપેક્ષીત પરિણામ લાવી રહ્યા છે. આ માટે તેઓ પોતાના વિદ્યાર્થીઓ જીસીઈઆરટી દ્વારા ડીડી ગિરનાર ચેનલ પર પ્રસારિત કાર્યક્રમો નિયમિત જોવે અને તે અંગે શાળાના સોશિયલ મીડિયા ગ્રુપમાં પ્રતિભાવો આપે એ સુનિશ્ર્ચિત કરે છે. ગુગલ ફોર્મ દ્વારા ઓનલાઈન ટેસ્ટનું આયોજન કરેલ છે. માઈક્રોસોફટ ટીમ દ્વારા વિદ્યાર્થીઓને સતત શૈક્ષણીક માર્ગદર્શન પૂરૂપાડે છે. વિદ્યાર્થીઓનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે દર મહિને સ્ટુડન્ટ ઓફ ધ મંચનું પ્રમાણપત્ર એક વિદ્યાર્થીને એનાયત કરે છે. બે ફ્રી યુટયુબ ચેનલ દ્વારા ૨૫૦૦થી વધુ અંગ્રેજી શીખનારને સીધો લાભ આપે છે. આ ઉપરાંત અન્યને પણ પોતાના અંગ્રેજી વિષયના જ્ઞાનનો લાભ મળે તે હેતુથી ઝુમ એપ પર ઓપન સોર્સ તરીકે ફ્રી પણ વર્ગો ચલાવ્યા છે. જેમાં ગુજરાતનાં ખૂણે ખૂણેથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયેલ છે. આ ઉપરાંત રાજયકક્ષાએથી નિર્મિત અંગ્રેજી વિષયની સ્વાધ્યાયપોથી નિર્માણમાં પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે. તેમજ આ કામગીરી બદલ સીઆરસી કક્ષાએથી પ્રમાણ પત્ર પણ મળેલ છે.