આપણે સૌ કોઇએ જાણીતી ફિલ્મ મુન્નાભાઇ એમ.બી.બી.એસ. જોઇ હશે…. તેનો એક ડાયલોગ બહું સટીક અને સચોટ છે. ‘બંદે મેં થા દમ, વંદે માતરમ…’ આમાં થોડા શબ્દ બદલીએ તો ‘બંદે મેં હૈ દમ, વંદે માતરમ….’
ભાવનગરના એક જૈફ ઉંમરના દાદા તેમના કર્મથી ફિલ્મના આ ડાયલોગને વાસ્તવમાં ચરિતાર્થ કરી રહ્યાં છે. આ દાદાનું નામ છે. રસીકદાદા….. દાદાનું નામ રસીક છે પરંતુ તેઓનું કામ ચોક્કસ જાણવાં જેવું રસીક છે.
કોઇને દાન આપવાં માટે પૈસાપાત્ર હોવાની જરૂર નથી. આ માટે ‘દિલના દાતારી’ જોઇએ. દિલની દરિયાદીલી શીખવા માટેના જગતમાં કોઇ ક્લાસ નથી હોતાં એ તો એમ જ આવે છે. આવાં લોકોના કર્મો જ જગતને દાન અને સખાવતના પાઠ ભણાવતું હોય છે.
ભાવનગરના રસિકદાદા આવાં જ એક દરિયાદીલ ઇન્સાન છે. એમની દાન લેવાની અને દાન આપવાની કથા પણ આપણને ગૌરવ અપાવે તેવી છે. શહિદ સૈનિક પરિવાર સહાય ટ્રસ્ટ માટે છેલ્લાં ઘણાં મહિનાઓથી ૮૧ વર્ષના એક ગરીબ બ્રાહ્મણ રસિકદાદા અચૂક ઑફિસે આવી રૂ .૬૦ થી ૯૦ આપી જાય છે.
પગમાં ચપ્પલ ન હોય અને ચાલીને આવતાં આ યુવાન વૃદ્ધને જોઈને આજે અનાયાસે વાત કરી જાણવાનો પ્રયાસ ટ્રસ્ટના લોકોએ કર્યો તો જાણવાં મળ્યું કે, રસિકદાદા આ નાણાં મેળવવાં માટે કોઇની સામે હાથ ન માંગવો પડે તે માટે ભાવનગરની દુકાને- દુકાને ફરીને શ્લોકનું ગાન કરે છે. જો કોઇ રૂપિયો, બે રૂપિયા આપે તો તેની જય…. બાકી દૂકાનદારનેઆશીર્વાદ આપીને આગળ વધી જાય છે.
જે લોકો તેમના કામને ઓળખે છે તે લોકો રસિકદાદાને એક કે બે રૂપિયા આપી પૂણ્ય કર્મમાં સહભાગી બને છે. આ રીતે દરરોજ થાળીમાં ભેગાં થયેલા પૈસા થાલીમાં જ રાખી રસિકદાદા ટ્રસ્ટની ઓફિસે આવીને શહિદ અને દિવંગત સૈનિકો માટે તેમની થાળીમાં જેટલાં રૂપિયા ભેગા થયાં હોય તે આપીને રવાના થઇ જાય છે.
થાળીમાં કોઇ દિવસ ૩૦ રૂપિયા પણ હોય અને કોઇ દિવસ ૬૦ રૂપિયા પણ હોય. ટ્રસ્ટના હોદ્દેદારોને ખબર છે કે આટલાં રૂપિયાથી કંઇ થવાનું નથી. છતાં, રસીકદાદાનો સૈનિકો માટેનો ભાવ ખૂબ અગત્યનો છે તેમ માનીને આ નાણાને લાખ કે બે લાખનો ચેક હોય તેમ પ્રસાદી માનીને સ્વીકારે છે.
રસિકદાદાની રાષ્ટ્રસેવા, રાષ્ટ્રભક્તિ આપણે નતમસ્તક થઇ જઇએ તેવું તેમનું અદનું કાર્ય છે. સમાજમાં અમૂક રકમ દાનમાં આપી ફોટા પડાવવામાં ગર્વ અનુભવતા લોકો માટે વિચારવા જેવો કિસ્સો અને તેમાથી પ્રેરણા લેવાં જેવો આ કિસ્સો છે.
૧૫ મી ઓગષ્ટ અને ૨૬ મી જાન્યુઆરી આવે ત્યારે રાષ્ટ્રધ્વજ જોઇએ ઉલાળા મારતો આપણો રાષ્ટ્રભક્તિનો આફરો થોડાં જ સમયમાં ઓગળી જતો હોય છે તેવાં સમયે રસીકદાદાનું નિજાનંદ અને આઠો પહોર આનંદ આપે તેવું રાષ્ટ્રભક્તિનું કાર્ય સદૈવ આગળ ચાલતું રહે. સદાવ્રત અને સખાવતની આ ઉમદા પરંપરામાંથી સૌ કોઇ પ્રેરણા લે અને માં ભારતીને લલાટે ઓજસ છલકાતું રહે તે માટે આવા વ્યક્તિઓની સમાજમાં હાજરીથી ચોક્કસ કહી શકાય કે ભારત દેશનું ભાવિ ઉજ્જવળ છે.
રસીકદાદા શહીદ સૈનિકો માટે પોતાની નિષ્ઠા વ્યક્ત કરી જે રોકડા રૂપિયા આપે છે તેનું મૂલ્ય અમૂલ્ય છે. અઢળક કમાણી કરીને મોજ શોખમાં લાખો રૂપિયા ઉડાડી મૂકતી આજની પેઢી અને એક ભારતીય તરીકે આપણને શરમમાં મૂકે તેવું ઉમદા તેઓનું કાર્ય છે. તેમના આ કાર્ય માટે તેમની સેલ્યુટ સાથે લાખ-લાખ અભિનંદન અને સલામ. બંદે મેં હૈ દમ, વંદે માતરમ.