33 વર્ષના કાર્યકાળ દરમિયાન 70 વખત દેશનું ભ્રમણ કરનાર
પાકિસ્તાન સાથેના યુદ્ધ વખતે પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીએ તેઓને બોલાવીને સહયોગ માંગ્યો હતો
જવાબમાં તેઓએ સેનાના જવાનો સુધી ભોજન અને હથિયાર વ્યવસ્થા પુરી પાડવામાં મદદ કરી હતી
સંઘ, ‘સંગઠન’ ‘યુનિટી’ એક જૂથ આ શબ્દોના અનેક ફાયદાઓ છે. પછીતે દેશ હોય સમાજ હોય કે પરિવાર એટલે જ તો કહેવાયુ છે કે એક લાકડીને તોડવી મુશ્કેલ નથી પણ લાકડીના આખા ભારાને તોડવી મુશ્કેલ છે. આવો જ એક સંઘ છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ જેમાં જોડાઇને અનેક દેશ પ્રેમીઓએ પોતાનો દેશ પ્રેમ પ્રત્યેનો પરિચય આપ્યો અને આપણા દેશને આઝાદી અપાવવામાં મદદ કરી, આજે આપણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક દેશપ્રેમી વિશે વાત કરીશું.
1940માં જયારે દેશને સ્વતંત્ર કરાવવાનુ આંદોલન તેની ચરમસીમાએ હતું ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બાગડોર સંભાળીને પોતાના 33 વર્ષના કાર્યકાળમાં આશરે 70 વખત દેશનું ભ્રમણ કરીને તેને વટવૃક્ષનું રૂપ આપનાર બીજા સંઘચાલક માધવ રાવ સદાશિવરાવ ગોલવલકર ઉર્ફે ગુરુજીના નામથી તેઓ પ્રસિદ્ધ છે. તેઓએ સંઘને દુનિયાના પ્રથમ બિન સરકારી સ્વયંએવી સંગઠનનો દરજજો અપાવ્યો હતો.
એટલું જ નહીં વિકટ પરિસ્થિતિઓમાં તેઓએ સંગઠનનું નેતૃત્વ સંભાળીને દેશની આઝાદીની લડાઇ દરમિયાન અને આઝાદી બાદ વિદેશી આક્રમણોમાં અન્ય સ્વયંસેવકોનું માર્ગદશન કરીને ભારતીય સેનાની દરેક પ્રકારે મદદ કરી હતી.
આ મહાન વિભૂતિનો જન્મ 19 ફેબ્રુઆરી, 1909ના દિવસે થયો હતો. તેઓ ભણવામાં ખૂબ જ હોશિયાર હતા. તેઓએ એમ.એસ.સી. કર્યુ હતુ અને બાદમાં તેઓ શોધકાર્ય માટે મદ્રાસ ગયા હતા. પણ ત્યાંનુ વાતાવરણ તેમને માફક ન આવવાથી કાશી વિશ્ર્વવિદ્યાલયમાં આગળ અધ્યાપન કરવા લાગ્યા ત્યારબાદ તેઓ ‘ગુરુજી’ કહેવાયા.
કાશી વિશ્ર્વ વિદ્યાલયમાં તેઓની ભેંટ સંઘના સંસ્થાપક ડો. હેડગેવાર સાથે થઇ હતી. આ મુલાકાત ધીમે ધીમે મિત્રતામાં પરિણમી હતી.
એ જ દરમિયાન માતા-પિતાના આગ્રહથી તેઓ કાશીથી પરત નાગપુર આવ્યા અને વકાલત કરી, તથા વધારે પડતો સમય તેઓ ડો. હેડગેવાર સાથે સંઘ કાર્ય માટે ભ્રમણ અર્થે વિતાવવા લાગ્યા ડો. હેડગેવારે તેમની યોગ્યતા જોઇને ધીમે ધીમે સંઘકાર્યની જવાબદારી આપવાનું કાર્ય શરૂ કર્યુ અને 1939માં તેઓની સરકાર્યવાહ તરીકે નિયુકિત કરવામાં આવી. ડો. હેડગેવારના નિધન બાદ 3 જુલાઇ 1940ના નાગપુરમાં આયોજીત શ્રદ્ધાંજલી સભામાં તેઓને સરસંઘ ચાલકની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારબાદ તેઓએ દેશમાં ઘેર ઘેર પહોંચીને આઝાદીની લડાઇ લડી રહેલા કાર્યકર્તાઓનું માર્ગદર્શન કર્યુ અને બધુ ગુમાવી ચુકેલાઓ માટે પુનર્વાસનો પ્રબંધ કરાવ્યો હતો.