સત્યની દ્રષ્ટિ આપીને અનેક આત્માઓને પ્રભુ પંથ પર પ્રયાણ કરાવી રહેલા રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના શ્રીમુખેથી બે વર્ષ પહેલાં કોલકાતામાં દીક્ષિત થયેલાં 21 વર્ષીય પૂજ્ય નમસ્વીજી મહાસતીજી તેમજ પાંચ મહિના અગાઉ ગિરનાર ભૂમિ પર દીક્ષિત થયેલાં નવદીક્ષિત 33 વર્ષીય પૂજ્ય પરમ નેમિશ્ર્વરાજી મહાસતીજીની 30 ઉપવાસની ઉગ્ર તપશ્ર્ચર્યાના પારણાનો અવસર આવતીકાલે આયોજીત કરવામાં આવ્યો છે.

પ્રાકૃતિક સૌર્દ્ય યુક્ત પરમધામ ઉદ્યાનના દિવ્ય સ્પંદનોમાં રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ 49 સંત-સતીજીઓ ચાતુર્માસ કલ્પ અર્થે બિરાજી રહ્યાં છે ત્યારે આત્માને તપધર્મથી ભાવિત કરતાં બે સાધ્વિરત્નાઓ એ માસક્ષમણ તપની ઉગ્ર આરાધના આજના 30માં ઉપવાસ સાથે નિર્વિઘ્ને પરિપૂર્ણ કરી છે ત્યારે લાઇવના માધ્યમે એમના દર્શન કરીને દેશ-વિદેશના હજારો ભાવિકો વંદિત-અભિનંદન બની રહ્યાં છે.

જૈન પરંપરામાં તપધર્મનું અનેરું મહત્વ દર્શાવવામાં આવ્યું છે, માસક્ષમણની આરાધનામાં દરેક પ્રકારના આહારના ત્યાગ સાથે માત્રને માત્ર સૂર્યોદયથી સુધી ઉકાળેલું પાણી ગ્રહણ કરીને 30-31 દિવસ ઉપવાસ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, પરમ ગુરૂદેવના શ્રીમુખેથી દીક્ષિત થયેલાં પૂજ્ય સાધ્વીરત્નાઓમાંથી દર વર્ષે કોઇને કોઇ મહાસતીજી પંચમ કાળમાં માસક્ષમણ તપની આરાધના સાથે તપધર્મની સર્વત્ર જયકાર વર્તાવી રહ્યાં છે.

30-30 દિવસ સુધી ઉપવાસની ઉગ્ર આરાધના કરનાર બંને પૂજ્ય મહાસતીજીઓની ઉગ્ર તપની ભાવનાની અનુમોદના માટે આવતીકાલ તા.10/08/2021 મંગળવાર સવારે 8.00 થી 9.00 કલાકે ઓનલાઇન સાંજીના આયોજન બાદ પારણાનો અવસર યોજાશે. આ અવસરે લાઇવના માધ્યમથી દેશ-વિદેશના હજારો ભાવિકો અનુમોદનાના ભાવ જોડાવા આતુર બની રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.