અફઘાનિસ્તાનનો સ્પિનર રાશિદ ખાન સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી દરેક મેચમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે, જોકે આઇપીએલ-૧૧ની શરૂઆતની મેચમાં તેની હરીફ ટીમના બેટ્સમેનોએ સારી એવી ધોલાઈ કરી હતી, પરંતુ એક વાર જ્યારે રાશિદ ખાન ફોર્મમાં આવી જાય છે ત્યારે તેની સામે રમવું કોઈ બેટ્સમેન માટે સહેલી વાત નથી હોતી.

આઇપીએલ હવે અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે. રાશિદ ખાને નો બોલ ફેંકવાના મામલામાં એક નવો રેકોર્ડ પોતાના નામે નોંધાવી દીધો છે. અત્યાર સુધી ૧૨ મેચ રમી ચૂકેલા રાશિદ ખાને હજુ એક પણ નો બોલ ફેંક્યો નથી. ટૂર્નામેન્ટ દરમિયાન રાશિદ કુલ ૨૮૮ બોલ ફેંકી ચૂક્યો છે, પરંતુ આમાંથી એક પણ નો બોલ નથી. આ લિસ્ટમાં તે સુનીલ નરૈન અને આર. અશ્વિન જેવા દિગ્ગજોને પાછળ છોડી ચૂક્યો છે.

રાશિદ ખાનની આઇપીએલમાં એન્ટ્રી વર્ષ ૨૦૧૭માં થઈ હતી. એ સમયે રાશિદે હૈદરાબાદ તરફથી રમીને શાનદાર પ્રદર્શન કરતાં ૧૪ મેચમાં ૧૭ વિકેટ ઝડપી હતી. વર્તમાન સિઝનમાં પણ તે પોતાની સ્પિન બોલિંગથી ભલભલા બેટ્સમેનોને વિકેટ પર નચાવી રહ્યો છે. અત્યાર સુધી તેણે રમેલી ૧૨ મેચમાં ૧૩ વિકેટ ઝડપી છે. આ દરમિયાન રાશિદ માટે ખાસ વાત એ છે કે તેનો ઇકોનોમી રેટ ૬.૯૦નો રહ્યો છે, જેને ટી-૨૦ ફોર્મેટમાં શાનદાર કહી શકાય.

એક પણ નો બોલ ન ફેંકવાના આ રેકોર્ડની દિલચસ્પ વાત એ છે કે આમાં ટોપ-૬માં ફક્ત સ્પિન બોલર છે. લિસ્ટમાં રાશિદ ખાન બાદ કેકેઆરનો સુનીલ નરૈન આવે છે. સુનીલ નરૈન એક પણ નો બોલ વગર ૨૭૦ બોલ ફેંકી ચૂક્યો છે. નરૈન બાદ સનરાઇઝર્સ હૈદરાબાદનો શાકિબ અલ હસન છે, જેણે નો બોલ વિના ૨૬૪ બોલ ફેંક્યા છે.

ત્યાર બાદ કિંગ્સ ઈલેવન પંજાબના અશ્વિને ૨૬૨ બોલ, પંજાબના જ મુજીબ ઉર રહેમાને ૨૪૮ બોલ, કેકેઆરના પીયૂષ ચાવલાના ૨૪૦ બોલ સામેલ છે.ચેન્નઈ સુપર કિંગ્સનો સ્ટાર ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો ફાસ્ટ બોલર દ્વારા નો બોલ ન ફેંકવાના મામલામાં પણ સૌથી ઉપર ચાલી રહ્યો છે. બ્રાવો અત્યાર સુધીમાં નો બોલ વિના ૨૨૫ બોલ ફેંકી ચૂક્યો છે. બ્રાવો બાદ આરસીબીના મોહંમદ સિરાજે ૧૯૮ બોલ, જ્યારે ચેન્નઈના શાર્દૂલ ઠાકુરે ૧૯૨ બોલમાં એક પણ નો બોલ ફેંક્યો નથી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.