વહેલી સવારે જોરદાર ઝાકળવર્ષાના કારણે ફલાઈટ અઢી કલાક મોડી: વાતાવરણમાં ભારે ઠંડક
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે સતત બીજા દિવસે જોરદાર ઝાકળવર્ષાના કારણે હવાઈ સેવા ખોરવાઈ જવા પામી હતી. વાતાવરણમાં પણ ભારે ઠંડક પ્રસરી જવા પામી હતી. રાત્રીના સમયે પવનની દીશા ફરી જતી હોવાના કારણે સવારે ગાઢ ધુમ્મસ આવે છે. આવતીકાલે પણ ઝાકળવર્ષાની સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.
આજે સવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં જોરદાર ઝાકળવર્ષા થવા પામી હતી. રાજકોટ શહેરનું લઘુતમ તાપમાન આજે ૧૭.૭ ડિગ્રી સેલ્શીયસ રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૪ ટકા અને પવનની સરેરાશ ઝડપ પ્રતિ કલાક ૧૨ કિ.મી. રહેવા પામી હતી. ઝાકળના કારણે વિઝિબિલિટિમાં જોરદાર ઘટાડો થવાના કારણે વહેલી સવારે રાજધાની દિલ્હી તથા મુંબઈથી આવતા એર ઈન્ડિયા અને જેટ એરવેઈઝની ફલાઈટ સમયસર આવી શકી ન હતી.
ઓછા વિઝિબિલિટિના કારણે દિલ્હીની ફલાઈટને અમદાવાદ ખાતે ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. જયારે જેટની ફલાઈટ મુંબઈથી જ ટેક ઓફ થઈ શકી નહીં. બંને ફલાઈટ પોતાના નિર્ધારિત સમય કરતા અઢી કલાક મોડી આવતા મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર ઉનાળો હજી બરાબર જામ્યો નથી અને રાત્રીના સમયે પવનની દિશા ફરી જતી હોવાના કારણે વહેલી સવારે ઝાકળવર્ષા થાય છે. આવતીકાલે પણ ઝાકળ પડવાની સંભાવના છે. આજે ઝાકળના કારણે સવારના સમયે વાતાવરણમાં જોરદાર ઠંડક પ્રસરી જવા પામી હતી.