કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે 1266 પોલીસ સ્ટાફ, 100 ખાનગી સિક્યોરીટી ગાર્ડ, 18 વોચટાવર તૈનાત: પ્રજા માટે 17 જગ્યાએ ફ્રી પાર્કિંગ
રમકડાના 178, ખાણીપીણીના 37, આઈસ્ક્રીમના 16, નાની ચકરડીના 52, યાંત્રિક રાઇડસના 44 પ્લોટ: 3 ફુટ કોર્ટ અને ટી કોર્નરની હશે નવીનતા:4 કરોડની વીમો લેવાયો
ફજર ફાળકાની તપાસ બાદ ફિટનેશ સર્ટી આપ્યા બાદ જ ચાલુ કરી શકાશે: કલેકટર પ્રભવ જોષી
ઉત્સવપ્રિય રાજકોટમાં જન્માષ્ટમીના પાવન પર્વે નિમિત્તે 1983થી લોકમેળો યોજવામાં આવે છે. આ લોકમેળો રાજકોટની ઓળખ બની ગયો છે. શરૂઆતથી શાસ્ત્રી મેદાનમાં યોજાતા ઓ મેળો વધતા જતાં માનવ મહેરામણના લીધે વર્ષ 2003થી રેસકોર્સ ખાતે યોજવામાં આવે છે. કોરોનાની મહામારી દરમ્યાન જાહેર જનતાના હિતાર્થે 2 વર્ષ મેળો બંધ હતો. અતિ લોકપ્રિય આ લોકમેળામાં લાખોની સંખ્યામાં દસ લાખ જેટલા લોકો મેળાની રંગબેરંગી ફઝર ફાળકા(રાઇડસ)નો આનંદ લેતા હોય છે. આ લોકમેળામાં અનેક જરૂરિયાતમંદ લોકોને રોજગારી મળે છે.
આ અંગે પત્રકાર પરિષદમાં કલેક્ટર પ્રભવ જોશી એ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર હસ્તકની લોકમેળા સમિતિ દ્વારા આયોજિત આ લોકમેળાની આવક રાજકોટ જિલ્લાના વિકાસકામો માટે ખર્ચવામાં આવે છે. અત્યાર સુધીમાં ઈશ્વરીયા પાર્ક, ઈવનિંગ પોસ્ટ, ઘેલા સોમનાથ, કબા ગાંધીનો ડેલો, વીરપુર મીનળવાવ વગેરે જેવા સ્થળોના વિકાસકામોમાં લોકમેળા સમિતિ દ્વારા કરાયા હતા. પ્રાંત અધિકારી કે.જી. ચૌધરીએ કહ્યું હતું કે
આ સાંસ્કૃતિક લોકમેળામાં પ્લોટ તથા સ્ટોલની ફાળવણી ડ્રો અને હરરાજી જેવી સિસ્ટમથી પારદર્શક રીતે થાય છે. ચાલુ વર્ષે 5 થી 9 સપ્ટેમ્બર એમ પાંચ દિવસ સુધી યોજાનારા આ મેળામાં ધંધો રોજગાર કરવા માટે 355 સ્ટોલ અને પ્લોટની ફાળવણી લોકમેળા સમિતિ દ્વારા થઈ રહી છે. જે પૈકી રમકડાના 178 સ્ટોલ, ખાણીપીણીના 14 સ્ટોલ, મધ્યમ ચકરડીના 04 પ્લોટ, નાની ચકરડીના 48 પ્લોટ ડ્રો સિસ્ટમથી ફાળવવામાં આવશે. જયારે ખાણીપીણીના 37 સ્ટોલ, યાંત્રિકના 44 પ્લોટ, આઈસ્ક્રીમના 16 પ્લોટ, ફૂટ કોર્ટના 3 પ્લોટ, 1 ટી કોર્નર પ્લોટ હરરાજીથી ફાળવવામાં આવશે. લોકમેળામાં લોકોના મનોરંજન માટે વિવિધતાસભર સાંસ્કૃતિક કાર્યક્રમો માટે આકર્ષક ડોમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
લોકમેળામાં કાયદો વ્યવસ્થાની જાળવણી માટે 3 ડી.સી.પી., 10 એ.સી.પી., 28 પી.આઈ., 81 પી.એસ.આઈ., 1067 પોલીસ, 77 એસ.આર.પી. સહીત કુલ 1266 જેટલા પોલીસ સ્ટાફ તૈનાત કરાશે. આ ઉપરાંત 100 ખાનગી સિક્યોરીટી ગાર્ડ ફરજ બજાવશે. જનતાની સુરક્ષા માટે 18 વોચટાવર ઉપર સીસીસી ટીવી કેમેરાથી વોચ રખાશે. લોકોની સુરક્ષા માટે રસરંગ લોકમેળાનો રૂ. 4 કરોડનો વીમો પણ લેવામાં આવેલ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાર જગ્યાએ જાહેર શૌચાલયની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રભરના ગામડાઓમાંથી આવતી પ્રજાને જુદી જુદી 17 જગ્યાએ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકમેળામાં લોકોની સુરક્ષા માટે યાંત્રિક રાઇડ્સ ચકાસણી માટે દરરોજ ફિટનેસ સર્ટીફીકેટ મેળવ્યા બાદ જ રાઇડ્સ શરૂ કરવાની મંજુરી અપાશે.
લોકમેળામાં પાણી પુરવઠા, યાંત્રિક રાઇડ્સની ચકાસણી, ફાયર સર્વિસ, સફાઈ, આરોગ્ય, ફૂડ એન્ડ ડ્રગ્સ, કાયદો વ્યવસ્થા સહિતની જુદીજુદી સમિતિઓ લોકમેળાના સુચારૂ આયોજન અને અમલીકરણની કામગીરી કરશે. લોકમેળા સમિતિ દ્વારા પ્રાદેશિક માહિતી કચેરીને પ્રદર્શન સ્ટોલ ફાળવાશે, જેમાં રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને પ્રદર્શિત કરવામાં આવશે. 13 જેટલી સંસ્થાઓને સમાજ ઉપયોગી માર્ગદર્શન માટે વિનામૂલ્યે સ્ટોલની ફાળવણી કરવામાં આવશે. મહિલાઓ તથા નાના કારીગરોને રોજગારી તથા માર્કેટિંગનું પ્લેટફોર્મ પૂરું પાડવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મહિલા આર્થીક વિકાસ નિગમ અને ઇન્ડેક્સ્ટ-સી ને સ્ટોલ ફાળવાશે.
આ લોકમેળામાં લોકભાગીદારી વધે તે માટે લોકમેળાના નામ માટે પ્રતિ વર્ષ જનતાના સૂચનો મંગાવવામાં આવે છે. જેમાં આ લોકમેળાને જમાવટ, ગોરસ, અમૃત સહીતના લોકરૂચિના નામો અપાયા હતા. તાજેતરમાં ચાલુ વર્ષના લોકમેળા માટે 252 લોકોએ લોકમેળા માટેના નામો સૂચવ્યા હતા, જેમાં વિપુલ સંઘાણી નામના વ્યક્તિ દ્વારા સૂચવેલ રસરંગ નામની પસંદગી થઈ હતી.