રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા પછી ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળના કાર્યકરો ગરબા રમ્યા, સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા
ભાવનગરના સંસદ ડો. ભારતીબેન શિયાળને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિમણુંક મળતા કાર્યકરો ઉત્સાહમાં ભાન ભૂલી રાસડાના ’ઉન્માદ’માં જાહેરમાં રાસ ગરબા રમ્યા હતા. જે બાદ સોશ્યલ મીડિયામાં આ મુદ્દે બબાલ મચી છે. સામાન્ય માણસોને નાની નાની બાબતે દંડ ફટકારવામાં આવે છે ત્યારે સોશ્યલ ડિસટંસિંગ નહીં જાળવવા બાબતે કોણ કાર્યવાહી કરશે તેવા પ્રશ્નો પણ ઉઠ્યા છે.
ભાવનગરના સાંસદ ડો. ભારતીબેન શિયાળની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિમણૂંક થતા ભાવનગરમાં ઉત્સાહના અતિરેકમાં ભાજપના કાર્યકરોએ કોરોનાની આચાર સંહિતાના ખુલ્લેઆમ ધજાગરા ઉડાડી સોશિયલ ડિસ્ટન્સની ઐસીતૈસી કરીને સમૂહમાં ગરબા પણ લીધા હતા. કોરોનાની મહામારી ટોચ પર છે ત્યારે તેની આચાર સંહિતાનું ચૂસ્તપણે પાલન કરવાની કેન્દ્ર સરકાર પ્રખર હિમાયત કરે છે ત્યારે ભાવનગરમાં ભાજપ કાર્યાલય ખાતે આચાર સંહિતાના ધજાગરા ઉડયા હતા.
ડો. ભારતીબેન શિયાળ ની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરાઇ છે અને સમગ્ર ગુજરાતમાંથી તેઓ એકમાત્ર સાંસદ છે કે જેની રાષ્ટ્રીય કક્ષાએ નિયુક્તિ આ નવી ટીમમાં કરવામાં આવી છે. આથી ભાવનગરમાં ભાજપના કાર્યકરોએ ઉત્સાહના અતિરેકમાં આવી ને માસ્ક પહેર્યા વગર કે સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર જાહેર માર્ગો પર ગરબા લઈને કોરોનાની આચાર સંહિતાની જાણે ઠેકડી ઉડાડી હતી. એક તરફ સરકારે જાહેર કર્યું છે કે આ નવરાત્રિમાં ગરબા નહીં રમવામાં આવે ત્યારે એક જ દિવસમાં આ નિયમનો ભાજપ દ્વારા જ ભાવનગરમાં ઉલાડીયો થયો હતો અને જાહેરમાં એક પણ નિયમના પાલન કર્યા વગર ગરબા લેવામાં આવ્યા હતા. આ અવસરે જોકે સાંસદ ભારતીબેન શિયાળ હાજર ન હતા પરંતુ કાર્યકર્તાઓએ ખુલ્લેઆમ નિયમોનો ઉલાળીયો કર્યો હતો.
શહેરના જે વિસ્તારમાં ભાજપ કાર્યાલય આવેલું છે તે સર તખ્તસિંહજી હોસ્પિટલની બરાબર સામે છે. આ વિસ્તાર સાઇલન્સ ઝોન છે તેમ છતાં ભાજપના કાર્યકરોએ ઢોલ-નગારા સાથે આતશબાજી કરી હતી અને નિયમોનું ખુલ્લેઆમ ભંગ કર્યો હતો. ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે માસ્ક પહેર્યા વગર અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર કાર્યકરોએ ઉત્સાહના અતિરેકમાં આવી ને ગરબા લીધા અને કોરોનાની આચાર સંહિતાનો ખુલ્લેઆમ ભંગ કર્યો તે સ્થળ જ્યાં કોરોનાના દર્દીઓ અને અન્ય ગંભીર રોગના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તે સર તખ્તસિંહજી હોસ્પિટલની બરાબર સામે આવેલું છે.શહેરના મેયરને ઓરથમ નાગરિક ગણવામાં આવે છે અને શહેરની સુરક્ષાથી માંડીને તમામ જવાબદારીઓ મેયરના ખભે હોય છે પરંતુ ભાવનગરના મેયર મનહર મોરી અને ડેપ્યુટી મેયર અશોક બારીયા પણ આ સમયે હાજર હતા. રાસ ગરબાનો કાર્યક્રમ આશરે ૨ ક્લાક સુધી ચાલ્યો હતો ક્યાં પોલીસ પણ હાજર હતી પરંતુ પોલીસ દ્વારા પણ આ સમયે કોઈ ટોકવામાં આવ્યા ન હતા. સર તખ્તસિંહજી હોસ્પિટલ ખાતે ભાવનગર ઉપરાંત બોટાદ અને અમરેલી જિલ્લા ખાતેથી કોરોના સંક્રમિત ગંભીર દર્દીઓની સારવાર કરવામાં આવે છે જે ભાજપ કાર્યાલયથી ફક્ત ૨૦૦ મીટરના અંતરે છે. જ્યાં કાર્યકરો દ્વારા રાસ ગરબા રમવામાં આવ્યા હતા.
હાલ દિલ્હી ખાતે રહેલા ભારતીબેન શિયાળે મામલે કહ્યું હતું કે, મને કેન્દ્રીય ભાજપ સમિતિમાં સ્થાન મળતા મારા કાર્યકરોએ સંપૂર્ણ શિસ્ત સાથે કાર્યક્રમ ભાજપ કાર્યાલય ખાતે યોજ્યો હતો. કાર્યકરો ઉત્સાહમાં આવી નિયમોનું પાલન કરવાનું ચુક્યા હોય તેવું બની શકે છે.
જો નિયમનો ભંગ થયો જણાશે તો કાર્યવાહી કરીશું : જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા
મામલામાં ભાવનગર જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ કહ્યું હતું કે, અમને આ અંગે કોઈ જ ફરિયાદ મળી નથી. તેમ છતાં અમે સચોટ તપાસ કરીશું. જો કાર્યક્રમમાં ગાઈડલાઈનનો ભંગ થતો જણાશે તો ચોક્કસ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. બીજી બાજુ તેમણે એવું પણ ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા જે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે તે મુજબ મુજબ ૧૦૦ જેટલા લોકોને સાથે રાખીને કોજ કાર્યક્રમ કે પ્રસંગ ઉજવવા કોઈ પણ પ્રકારની મંજૂરીની જરૂરિયાત રહેતી નથી. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં ભાવનગરના મેયર મનહર મોરી અને ડેપ્યુટી મેયર અશોક બારીયા પણ હાજર રહ્યા હતા.