અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે સ્થાપના કરાઇ
આઝાદી કા અમૃત મહોત્સવ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ અંતર્ગત ઝવેરચંદ મેઘાણીના સ્વાતંત્ર્ય-સંગ્રામના સંભારણાંની દુર્લભ તસ્વીરોની અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે સ્થાપના થઈ છે.અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે (આઈએએસ), અધિક નિવાસી કલેકટર પરિમલ પંડ્યા (આઈએએસ), વિરમગામ મદદનીશ કલેકટર દીપેશ કેડીયા (આઈએએસ), અધિક નિવાસી નાયબ કલેકટર યોગીરાજસિંહ ગોહિલ (જીએએસ), ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કે.વી.આઈ. સી.)ની સેન્ટ્રલ ખાદી માર્ક કમિટી અને ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર)ના ચેરમેન ગોવિંદસિંહ ડાભીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
06 એપ્રિલ 1930ના રોજ ઐતિહાસિક ધોલેરા સત્યાગ્રહના અવસરે ઝવેરચંદ મેઘાણીએ રચેલાં દેશભક્તિનાં 15 શૌર્યગીતોનો સંગ્રહ સિંધુડો પ્રસિઘ્ધ થયો હતો, 28 એપ્રિલ 1930ના રોજ રાજદ્રોહના ખોટા આરોપસર ધંધુકા સ્થિત તે સમયના ડાક બંગલા અને હાલના જિલ્લા પંચાયતના રેસ્ટ-હાઉસ ખાતે ઊભી કરાયેલ વિશેષ અદાલતમાં ઝવેરચંદ મેઘાણીને રજૂ કરાયા ત્યારે સ્વરચિત કાવ્ય છેલ્લી પ્રાર્થના ધીરગંભીર કંઠે ગાયું ને મેજિસ્ટ્રેટ ઈસાણી સમેત ત્યાં ઉપસ્થિત વિશાળ માનવ મેદનીની આંખો આંસુભીની થઈ ગઈ હતી તથા 1930-31ના સાબરમતી જેલના સંભારણાંનુ રસપ્રદ, માહિતીસભર સચિત્ર આલેખન પિનાકી મેઘાણી દ્વારા કરાયું છે.