- આજે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ
જૂનાગઢ સંગ્રહાલયમાં બેલ્જિયમ ગ્લાસનું બેનમૂન કલેક્શન, કાષ્ઠકળાની અદભુત કલાકૃતિઓ, સદીઓ પુરાણા ચલણી સિક્કાઓ, આગવી વસ્ત્રકળા અને ચાંદીથી મઢેલી પાલખીઓનો ભવ્ય કલાવારસો સંગ્રહિત
મ્યુઝિયમ માત્ર જૂની પુરાણી વસ્તુઓનું સંગ્રહ સ્થાન નથી…પરંતુ અતીતથી અવગત કરાવી, ભવિષ્યનો નવો રાહ કંડારવાનું પ્રેરણાસ્ત્રોત છે. નવી પેઢી આપણા ભવ્ય વારસા અને સંસ્કૃતિને જાણે… માણે તે સ્વયં અને દેશના વિકાસ માટે પણ જરૂરી છે.
તેવુ જ એક 123 વર્ષ પુરાણું જૂનાગઢ સંગ્રહાલય પણ સોરઠ-સૌરાષ્ટ્રના ભવ્ય વારસા અને વૈભવને ઉજાગર કરે છે. શહેરના સરદારબાગ ખાતેના તાજ મંઝિલ બિલ્ડિંગમાં આવેલ જૂનાગઢ સંગ્રહાલયનો આગવો ઇતિહાસ છે અને પુરાતન વસ્તુઓથી સમૃદ્ધ છે.
18-મે એ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસની ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે જૂનાગઢ સંગ્રહાલયના ક્યુરેટર શેફાલીકા અવસ્થી કહે છે કે, જૂનાગઢ – સોરઠ પ્રદેશ સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ તો છે સાથે જ પ્રાકૃતિક વારસો પણ એટલો જ સમૃદ્ધ છે. આ પ્રદેશનો વારસો જૂનાગઢ સંગ્રહાલયમાં સચવાયેલો છે. ખાસ નવાબીકાળની વસ્તુઓ અહીં સંગ્રહિત છે. જેને વર્ષ 2023-24માં 66000 થી વધુ લોકોએ અને 100થી વધુ વિદેશી નાગરિકોએ નિહાળ્યું છે.
આ સંગ્રહાલયમાં સંગ્રહિત તલવાર, કટાર બંદૂક વગેરે હથિયારો આજના આધુનિક સમયમાં કલ્પનાના નવા પાના ખોલે છે, તો રાજ કચેરી- દરબાર જુની શાસન વ્યવસ્થાનું ચિત્ર ખડું કરે છે.
અહીં બેલ્જિયમ ગ્લાસનું બેનમૂન કલેક્શન, કાષ્ઠકળાની અદભુત કલાકૃતિઓ, સદીઓ પુરાણા ચલણી સિક્કાઓ, આગવી વસ્ત્રકળા અને ચાંદીથી મઢેલી પાલખીઓ ભવ્ય કલાવારસા અને જાહોજલાલી સાબિતી પૂરે છે. આ ઉપરાંત ઘણી બધી દુર્લભ વસ્તુઓ અને શિલ્પ અહી જોવા મળે છે અને ઉત્ત્ખનન દરમિયાન મળી આવેલા નમૂનાઓ પણ અહી મુકવામાં આવ્યા છે.
જૂનાગઢ સંગ્રહાલયનું મૂળ તો આઝાદ ચોક ખાતેની હાલની સરકારી લાઈબ્રેરી સાથે જોડાયેલુ છે.
અહી વર્ષ 1897માં તત્કાલિન મુંબઇ રાજ્યના ગવર્નર લોર્ડ સેન્ટહર્સ્ટના હસ્તે મ્યુઝિયમ બનાવવા માટે શિલારોપણ વિધિ કરાઈ હતી અને 1901માં રોજ લોર્ડ નોર્થકોર્ટે તેને જાહેર જનતા માટે ખુલ્લું મૂક્યું.
જૂનાગઢ સંગ્રહાલય તરીકે ઓળખાતું આ સંગ્રહાલયને સરદારબાગની તાજ મંઝિલ તરીકે ઓળખાતી બિલ્ડિંગમાં સ્થળાંતર થયું. જૂનાગઢના દરબાર હોલ-દીવાન ચોક અને જૂનાગઢ મ્યુઝિયમ- સક્કરબાગ બન્ને મ્યુઝિયમોનું તાજ મંઝિલમાં એક મ્યુઝિયમ અંતર્ગત એકીકરણ કરવામાં આવ્યું હતું.