દેશના ૫૦ શહેરોમાં ૬૦ ટકા હાઉસીંગ પ્રોજેક્ટસ વિલંબમાં મુકાયા
રેરાના કારણે રિયલ એસ્ટેટને નુકશાન નહીં થાય તેવો દાવો થઈ રહ્યો હતો. જો કે, આજની પરિસ્થિતિ કંઈક અલગ જ વાસ્તવિકતા દર્શાવી રહી છે.
દેશના ૫૦ શહેરોમાં ૬૨ ટકાથી વધુ અન્ડર કંન્ટ્રકશન હાઉસીંગ પ્રોજેકટ ઠપ્પ થઈ ગયા છે. આ ઉપરાંત એપાર્ટમેન્ટ અને ફલેટના બાંધકામ માટે પણ સારા સમાચાર નથી.
ફલેટ ખરીદદારોની બનેલી ફાઈટ ફોર રેરા સંસ્થાએ કરેલા અભ્યાસમાંથી આ ડેટા ફલીત થયા છે. રિયલ એસ્ટેટમાં મોટાભાગના પ્રોજેકટો ૨ થી ૩ વર્ષના સમયગાળા માટે વિલંબમાં મુકાયા છે. કેટલાક પ્રોજેકટો પાંચ વર્ષ સુધી પૂર્ણ થઈ શકે તેવી સ્થિતિમાં નથી. આ તમામ મુશ્કેલીઓ રેરાની અમલવારીમાં અડચણોના કારણે પડી રહી હોવાનું માનવામાં આવે છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું હતું કે, માત્ર મહારાષ્ટ્રમાં જ ૫.૩ લાખ એપાર્ટમેન્ટ બનાવવાના પ્રોજેકટો વિલંબમાં મુકાઈ ગયા છે. જેમાંથી ૩જા ભાગનો પ્રોજેકટ તો ૩ વર્ષ સુધી થઈ શકે તેવી પરિસ્થિતિ નથી. આ ઉપરાંત અન્ય ઘણા પ્રોજેકટો પણ રેરાના કારણે અટવાયા હોવાનું માનવામાં આવે છે. હાલ બોમ્બે હાઈકોર્ટમાં રેરા સામે સુનાવણી ચાલુ છે. બોમ્બે હાઈકોર્ટમાં આ કેસમાં દરરોજ સુનાવણી થાય છે. ટૂંક સમયમાં આ મુદ્દે કોર્ટ ચુકાદો આપે તેવી શકયતા છે.
રેરાની દરખાસ્ત સૌપ્રથમ યુપીએ સરકાર સમયે થઈ હતી અને એનડીએ સરકારે તેની અમલવારી કરી છે. ઘર ખરીદનારાઓને રાહત થાય તેવા હેતુથી રેરાની દરખાસ્ત મુકાઈ હતી. જો કે કેટલાક લોકો આનો વિરોધ કરી રહ્યાં છે. હાલ આ મામલે કાયદાકીય લડાઈ ચાલુ છે.