- રીબડામાં 18મીથી આર.એ.આર.ક્રિકેટ કપનો પ્રારંભ: 12 ટીમો વચ્ચે જંગ
- ચેમ્પીયન ટીમને 11 લાખ અને રનર્સઅપને રૂ.5 લાખનું ઈનામ: ટુર્નામેન્ટમાં મધ્યપ્રદેશ, કેરલા, હૈદરાબાદ, ગજરાત, તામિલનાડુ અને ત્રીપુરા સહિત ચાર રાજયોની ટીમ ટકરાશે
- 12 ટીમોના ટીશર્ટનું કરાયું લોન્ચીંગ: ટ્રોફીનું અનાવરણ કરતા રાજદિપસિંહ જાડેજા
આર.એ.આર ફાઉન્ડેશનના રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (રીબડા)ના ઉપક્રમે ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ઑલ ઇન્ડિયા કક્ષાની આર.એ.આર કપ 2024 ટેનિસ ક્રિકેટ ટી -20 ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. એસ.જી.વી.પી ઇન્ટરનેશનલ સ્કૂલ ગ્રાઉન્ડ, રીબડા, રાજકોટ ખાતે આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મધ્યપ્રદેશ, કેરલા, હૈદરાબાદ, ગુજરાત, તમિલનાડુ, ત્રિપુરા સહિત બાર રાજ્યોની ટીમ આપસમાં ટકરાશે.
તારીખ 18થી 21 મે સુધી આયોજિત આ ટેનિસ બોલ ક્રિકેટ ટી 20ની મેચમાં ચેમ્પિયનને 11 લાખ રૂપિયાનું અધ..ધ..ધ. પ્રાઇઝ મની અને રનર્સઅપ ટીમને પાંચ લાખ, બેસ્ટ બેટ્સમેનને 50,000 અને બેસ્ટ બોલરને પણ 50000નું મની પ્રાઇસ આપવામાં આવશે. આ ઉપરાંત મેન ઓફ ધ સીરીઝને એક અત્યાધુનિક સપોર્ટ બાઈક પુરસ્કાર સ્વરૂપ આપવામાં આવશે.
ગુજરાતના રમત-ગમતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ઓલ ઇન્ડિયાની બેસ્ટમાં બેસ્ટ ટેનિસ ક્રિકેટ ટીમના ખેલાડીઓ સૌરાષ્ટ્રના નાના એવા રીબડા ગામમાં રમાવવા જઈ રહી છે. જેમાં આઇ.પી.એલ.ની તર્જ પર અને એવા જ ફોર્મેટથી ટેનિસ ક્રિકેટ ટી 20 ટુર્નામેન્ટ આર.એ.આર. કપ 2024 નું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર ટુર્નામેન્ટનું લાઈવ પ્રસારણ ટેનિસ ક્રિકેટ.ઈન યુ.ટ્યુબ ચેનલ પર કરવામાં આવશે. આજે આ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે 12 ટીમોના ટીશર્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. બિલકુલ આઇ.પી.લ. જેવું ફોર્મેટ ધરાવતી આ ક્રિકેટ ટુર્નામેન્ટ સૌરાષ્ટ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તેમાં કોઈ બેમત નથી.
મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ તૈનાત રહેશે
18 થી 21 મે સુધી ટેનીસ બોલ ક્રિકેટ ટી 20ની મેચ દરમિયાન એસ.જી.વી.પી. ઈન્ટરનેશનલ સ્કુલ ખાતે મેડીકલ ટીમ તથા એમ્બ્યુલન્સ તૈનાત રહેશે. જેથી મેચ દરમિયાન જરૂરત પડે તો તાત્કાલીક મેડીકલ ટીમ સારવાર કરી શકે તે માટે આયોજકો દ્વારા આર.એ.આર. કપ 2024 ટેનિસ ક્રિકેટ ટી.20 ટુર્નામેન્ટમાં મેડીકલ ટીમ અને એમ્બ્યુલન્સને સ્ટેન્ડ બાય રખાશે.
સ્પોર્ટસને વધુને વધુ પ્રોત્સાહન મળે તે માટે વિશેષ આયોજન: રાજદિપસિંહ જાડેજા
પત્રકાર પરિષદને સંબોધતા રીબડાના રાજદિપસિંંહ જાડેજાએ જણાવ્યું હતુ કે ગુજરાતનાં રમત ગમતના ઈતિહાસમાં પ્રથમ વખત ઓલ ઈન્ડિયા કક્ષાની આર.એ.આર. કપ 2024 ટેનિસ ક્રિકેટ ટી.20 ટુર્નામેન્ટ રીબડાના એસ.જી.વી.પી. ઈન્ટરનેશનલ સ્કુલ ગ્રાઉન્ડ ખાતે તા.18 થી 21 મે દરમિયાન યોજાનાર છે. જેમાં વિવિધ રાજયોની 12 ટીમો વચ્ચે મુકાબલો થશે અમે સ્પોર્ટસને વધુને વધુ પ્રોત્સાહન મળે તે માટે ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે.
મારા બંને મોટા ભાઈઓ ક્રિકેટ પ્રેમી છે. ઉપરાંત સ્પોર્ટસને વધુ પ્રોત્સાહન મળે અને આજથી પેઢી સ્પોટર્સ ક્ષેત્રે આગળ વધે તેવા ઉમદા આશય સાથે આર.એ.આર. કપ 2024 ટેનીસ ક્રિકેટ ટી.20 ટુર્નામેન્ટનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે. માતાજી -ભગવાનની કૃપા રહી તો દર વર્ષે ટુર્નામેન્ટનું આયોજન કરીશું આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખાસ તો ગુજરાત બારના જે પણ ખેલાડીઓ ભાગ લેશે તેમના માટે વિશેષ સુવિધા આપવામાં આવશે. ચાર દિવસ રીબડા એસ.જી.વી.પી. ગુરૂકુળમાં 12 ટીમો ટકરાશે આજરોજ 12 ટીમોનાં ટીશર્ટનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતુ. તથા ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટમાં ચેમ્પીયન ટીમે 11 લાખ રૂપીયા પ્રાઈઝ મની અપાશે. જયારે રનર્સઅપ ટીમને પાંચ લાખની પ્રાઈઝ મની અપાશે.