દોઢ એકર જમીનનું દબાણ દુર કરવાનું કહેતા ધારીયા અને પાઇપથી માર માર્યો
પૂર્વ કચ્છના રાપર નજીક આવેલા પગીવાંઢ ગામે સેઢાના પ્રશ્ર્ને ચાલતી અદાવતના કારણે બે સગા ભાઇ પર ત્રણ શખ્સોએ ધારિયા અને પાઇપથી ખૂની હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ત્રણેય સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પગીવાંઢ ગામે રહેતા નરશીભાઇ રામજીભાઇ કોળી અને તેના મોટા ભાઇ નવીન રામજીભાઇ કોળી પર તેના જ ગામના શંકર પોપટ કોળી, સુખદેવ પોપટ કોળી અને ભાયાભાઇ પોપટ કોળી નામના શખ્સોએ ધારિયા અને પાઇપથી માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.નરશીભાઇ કોળીના સેઢે શંકર પોપટ કોળીનું ખેતર આવેલું છે અને તેઓએ છેલ્લા પચીર વર્ષથી દોઢ એકર જમીન પર દબાણ કર્યુ હોવાથી તેઓ સાથે અદાવત ચાલે છે. ત્યારે શંકર કોળીએ ઇશબગુલનું વાવેતર કર્યુ હતી તે પાક લીધા બાદ ખેતર ખાલી કરવાનું કહેતા તે ઉશ્કેરાયા હતા અને ધારિયા અને પાઇપથી ખૂની હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
રાપર પોલીસે નવીનભાઇ કોળીની ફરિયાદ પરથી શંકર કોળી સહિત ત્રણેય સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી પી.એસ.આઇ. એચ.એમ.પટેલ અને જે.એચ.ગઢવી સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.