ધારીયા-લાકડી વડે તૂટી પડ્યા: ૧૨ શખ્સો સામે નોંધાતો ગુનો
રાપર તાલુકાના ધાણીથર ગામે સરપંચની ચૂંટણી હારેલા પક્ષે બે યુવાન પર બંદૂક બતાવી ઘાતક હુમલો કર્યો હોવાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં ટોળાએ ધારીયા અને લાકડી વડે તૂટી પડ્યા હતા. પોલીસે ૧૨ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઘાણીથર ગામે રહેતા નરેન્દ્રસિંહ બાપાલાલ જાડેજા (ઉ.વ.૩૭)એ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીઓના પક્ષનો સરપંચ ઉમેદવાર હારી ગયો હતો. જયારે ચૂંટણીમાં ફરિયાદીનો ઉમેદવાર જીતી જતાં તે બાબતનું મનદુઃખ રાખીને ફરિયાદીના સંબંધી કનકસિંહ ઉર્ફે કુમારસિંહ રાણુભા સાથે અજુભા સમુભા જાડેજા, શક્તિસિંહ અજુભા જાડેજા, વિરેન્દ્રસિંબ બળુભા જાડેજા, બાપાલાલ સમુભા જાડેજા, યુવરાજસિંહ જટુભા જાડેજા, યશરાજસિંહ નરવિનસિંહ જાડેજા, ટપુભા સમુભા જાડેજા, જટુભા જાડેજા, મદુભા જાડેજા, નરવીનસિંહ જાડેજા, અરવિંદસિંહ જાડેજા અને દેવેન્દ્રસિંહ જાડેજા એ હુમલો કર્યો હતો.
જેમાં ગત તા.૨૨મી ડિસેમ્બરના ફરિયાદી નરેન્દ્રસિંહ જાડેજા વચ્ચે સમાધાન કરાવવા જતા તેઓને પણ બંદૂક બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ધારીયા અને લાકડી વડે હુમલો કરતા બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલના બિછાનેથી નરેન્દ્રસિંહ જાડેજાએ ૧૨ શખ્સો સામે ચૂંટણી હાર્યાનો ખાર રાખી બંદૂક બતાવી હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાની નોંધ કરી વધુ તપાસ હાથધરી છે.