લ્યો બોલો…. હવે પશુઓ પણ સુરક્ષિત નથી
રૂ.80,000ની કિંમતની ત્રણ ભેંસની ચોરી થતાં પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો
સોના ચાંદીના ઘરેણાં અને માલમતાની તસ્કરી તો અવારનવાર પોલીસ મથકે નોંધાઇ છે. પરંતુ રાપરમાં એક અજીબોગરીબ ચોરી સામે આવી છે. જેમાં કોઈ અજાણ્યો શખ્સ વાડીના શેઢે બાંધેલી ત્રણ ભેંસ ચોરી ગયાનું પોલીસ ચોપડે નોંધાયું છે. રૂ.80 હજારની કિંમતની ત્રણ ભેંસની તસ્કરી સામે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાપર તાલુકાના સેલારી ગામે રહેતા અને ખેતી અને પશુપાલનનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હરિભાઈ પરમાભાઈ વાવિયા નામના 58 વર્ષીય પ્રૌઢે રાપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ તેમની રૂ.80 હજારની કિંમતની ત્રણ ભેંસ ચોરી ગયાની ફરીયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.1લી જુલાઈના રોજ પોતે પરિવાર સાથે ચાપાસર તળાવ પાસે આવેલા પોતાના ખેતર પર કામ કરી રહ્યા હતાં ત્યાર બાદ પોતે ઘરે ગયા ત્યારે પોતાની ચાર ભેંસ ખેતરના શેઢે બાંધી હતી. બીજા દિવસે ફરિયાદીએ વાડીએ જઈને જોતા ચારમાંથી એક જ ભેંસ ત્યાં હાજર હતી. ત્યાર બાદ એક અઠવાડિયા સુધી શોધખોળ કરવા છતાં ભેસનો પત્તો ન લાગતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પોલીસે રૂ.80 હજારની કિંમતની ત્રણ ભેંસ ચોરી થયાની ઘટનાની નોંધ કરી અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે. પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા પ્રૌઢની ભેંસ ચોરી થતાં પરિવારમાં ચિંતાનો વ્યાપ વધ્યો છે.