- કાનમેરના 8 મંદિરોમાં ચોરી થતાં ભાવિકોમાં રોષ
- મૂર્તિ ઉપર ચડાવેલા ચાંદીના ઘરેણાં અને દાનપેટીની રકમની થઇ ચોરી
- આરોપીઓને શોધી લાવી કાયદેસરની કાર્યવાહી કરવા કરાઈ અપીલ
રાપરના ચિત્રોડમાં 11 દેવસ્થાનોમાં સામુહિક તસ્કરી બાદ કાનમેરમાં ચોરીથી ભવિકોમાં રોષ, આરોપી હાથવેંતમાં
વાગડ વિસ્તારમાં અસામાજિક તત્વો ને જાણે કાયદાનો કોઈ ડર ના હોય તેમ પ્રતિદિન એક બાદ એક ચોરી, હત્યા અને મારમારી જેવી ગંભીર ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ચાલુ સપ્તાહે જ રાપરના ચિત્રોડ અને જેઠાસરી ગામે 11 દેવ મંદિરમાં રૂ 97 હજારની ચોરીની ઘટનાનો ભેદ વણ ઉકેલ્યો છે. ત્યાં હવે નજીકના કાનમેર ગામે અલગ અલગ 8 મંદિરોમાં મૂર્તિ ઉપર ચડાવેલા ચાંદીના ઘરેણાં અને દાનપેટીની રકમ ઉસેડી જવાઈ છે. રાત્રિ દરમિયાન બનેલી ઘટના બાદ ગાગોદર પોલીસ વહેલી સવારથી જ ઘટનાસ્થળે દોડી જઇ ચોરી અંગેનું પગેરું શોધવા મથામણ કરી રહી છે. જોકે દેવ મંદિરોમાં સામુહિક તસ્કરીના પગલે ભાવિકોમાં રોષની લાગણી ફેલાઇ છે.
આ અંગે ગાગોદર પીએસઆઇ સેંગલનો સંપર્ક કરતા તેમણે ચીરીની ઘટના અંગે તપાસ ચાલુમાં હોવાનું જણાવ્યું હતું. કાનમેર ચોરી બાબતે આરોપીને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યો હોવાની વાત અંગે તેમણે આરોપી હાથવેંતમાં હોવાનું અને તપાસ બાદ વિગતવાર તમામ ઘટનાક્રમ જણાવવાનું કહ્યું હતું.
તે દરમિયાન સ્થાનિક લોકોએ કુલ ગામના અલગ અલગ કુલ આઠ દેવસ્થાનોમાં રાત્રિના 1 થી 2 વાગ્યા દરમિયાન ચોરી કરી જવામાં આવી હોવાનું કહ્યું હતું. તેઓએ તંત્ર દ્વારા તાકીદે ચોરીમાં સામેલ આરોપીઓને શોધી કાઢવા કાયદેસરની કાર્યવાહી કરવા અપીલ કરી હતી.
અહેવાલ : ગની કુંભાર