પેટ્રોપ પંપના પૂર્વ કર્મચારીએ ટીપ આપી નામચીન શખસે લૂંટનો પ્લાન બનાવ્યાની કબુલાત: લૂંટ માટે બે દિવસ પહેલાં કરેલી રેકીમાં મળેલા એક્ટિવાના નંબરના આધારે ભેદ ઉકેલાયો
પૂર્વ કચ્છના રાપર પાસે એક સપ્તાહ પૂર્વે પેટ્રોલ પંપના કર્મચારી પર છરીથી હુમલો કરી રુા.12.79 લાખની ચલાવેલી દિલ ધડક લૂંટની ઘટનાનો પોલીસે ભેદ ઉકેલી નામચીન શખ્સ સહિત છ શખ્સોને ઝડપી તેની પાસેથી રુા.11 લાખની રોકડ કબ્જે કરવામાં સફળતા મળી છે. પેટ્રોલ પંપના પૂર્વ કર્મચારીએ નામચીન શખ્સને ટ્રીપ આપી લૂંટનો પ્લાન બનાવ્યાનું અને રેકી દરમિયાન ઉપયોગમાં લેવાયેલા એકિટવાના નંબરના આધારે લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હોવાનું પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારે પત્રકાર પરિષદમાં માહિતી આપી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત ગિત મુજબ રાપર ટાઉનમાં આવેલા પેટ્રોલ પંપના કર્મચારી લાલુભા જાડેજા ગત સોમવારે શનિ-રવિના વકરાના નાણા બેન્કમાં કરાવવા જતા હતા ત્યારે બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સે છરીથી હુમલો કરી રુા.12.79 લાખની રોકડની લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.લૂંટનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસ વડા સાગર બારમારના માર્ગ દર્શન હેઠળ ભચાઉના ડીવાય.એસ.પી.એન.એન.ચુડાસમા, એલસીબી પી.આઇ. રાપર પી.આઇ. વી.કે.ગઢવી, પીએસઆઇ બી.જી.માજીરાણા, આર.આર.આમલિયાર, લાકડીયા પીએસઆઇ આર.આર.વસાવા, આડેસર પીએસઆઇ બી.જી.રાવલ, બાલાસર પીએસ.આઇ. વી.એચ.ઝા, ગાગોદર પીએસઆઇ ડી.આર.ગઢવી અને ખડીર પીએસઆઇ કે.ડી.રાવલ સહિતના સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી સીસીટીવી ફુટેજ અને બાતમીદારોને કામે લગાડયા હતા.
દરમિયાન લૂંટના બે દિવસ પહેલાં પૂર્વ કચ્છના નામચીન શખ્સ સુખો ઉર્ફે સુખદેવ રામસંગ કોલી અને પેટ્રોલ પંપના પૂર્વ કર્મચારી અલ્તાફ ગફુર ચૌહાણને પેટ્રોલ પંપ નજીક જી.જે.12ઇક્યુ. 1878 નંબરના એક્ટિવામાં જોવા મળ્યા હતા. અગાઉ પ્રેમીકાની હત્યા અને પોલીસને ચકમો દઇ ભાગી છુટેલા નામચીન સુખો ઉર્ફે સુખદેવ ની સંડોવણીની શંકા સાથે એક્ટિવાના માલિક ભોલા ઉર્ફે વિશન દેવજી મેરીયાની અટકાયત કરી પૂછપરછ કરતા તેને સુખો ઉર્ફે સુખદેવ કોળીની મદદથી લૂંટની ઘટનાને અંજામ આપ્યાની અને તે મુંબઇ હોવાથી પૂર્વ કચ્છ પોલીસની એક ટીમ મુંબઇ જઇ સુખો ઉર્ફે સુખદેવ કોળીને ઝડપી લીધા બાદ લૂંટના ગુનામાં સંડોવાયેલા અન્ય શખ્સોને ઝડપી તેની પાસેથી રુા.11 લાખ રોકડા, મોબાઇલ અને એક્ટિવા કબ્જે કર્યા છે.