- બેવકૂફી નહિ સાવચેતી જરૂરી
- અમદાવાદ, કર્ણાટક, બેગલુરુ, પચ્છિમ બંગાળ બાદ હવે નાગપુરમાં પણ બે કેસ નોંધાયા: નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આ કોઈ નવો વાઇરસ નથી અને તેનાથી ભયભીત થવાની જરૂર નથી
ચીનમાં હ્યુમન મેટાન્યૂમોવાઇરસના કેસોમાં વધારો થતા દુનિયાભરમાં ખળભળાટ મચ્યો છે. સોમવારે ગુજરાત સહિત ભારતના ચાર રાજ્યમાં એચએમપીવી વાઇરસના 6 કેસ નોંધાયા બાદ આજે વધુ બે કેસ નોંધાયા છે. વાયરસ એચએમપીવીનો ઝડપથી પગપેસારો થઇ રહ્યો છે ત્યારે એક જ દિવસમાં આઠ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. જો કે આ વાયરસનો સામનો કરવો પડશે અને બેવકૂફી નહી પણ સાવચેતીની જરૂર છે. વાઇરસના તમામ દર્દી બાળક છે. હવે નાગપુરમાં પણ આ વાઇરસના બે નવા કેસ નોંધાયા છે. જો કે નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ કોઈ નવો વાઇરસ નથી અને તેનાથી ભયભીત થવાની જરૂર નથી. જોકે સુરતના ડોક્ટરોએ સ્પષ્ટતા કરી છે કે એચએમપીવી કોઈ નવી બીમારી નથી. ડોક્ટરોનો દાવો છે કે આ વાઇરસ ભારતમાં વર્ષોથી હાજર છે અને સુરતમા આના ઘણા કેસ પહેલા પણ સામે આવી ચુક્યા છે. સોમવારે અમદાવાદમાં 2 મહિનાના બાળકમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ ચેપ જોવા મળ્યો હતો. આ બાળક રાજસ્થાનનું છે અને સારવાર માટે અમદાવાદ પહોંચ્યું હતું. આ પહેલા સોમવારે સવારે કર્ણાટકમાં 3 મહિનાની છોકરી અને 8 મહિનાના છોકરામાં આ વાઇરસ જોવા મળ્યો હતો. બંને બાળકોની બેંગલુરુની હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળમાં પણ પાંચ મહિનાના બાળકમાં આ રોગના લક્ષણો જોવા મળ્યા છે. તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બીજી તરફ તમિલનાડુના ચેન્નાઈમાં પણ બે બાળકો સંક્રમિત જોવા મળ્યા છે. તેમના વિશે હજુ વધુ માહિતી બહાર આવી નથી. એચએમપી વાઇરસનો કેસ નોંધાયા બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી ગઇ છે. જેને પગલે શહેરની સિવિલ હોસ્પિટલમાં એચએમપીવી વાઈરસના દર્દી માટે આઇસોલેશન વોર્ડ શરૂ કરાયો છે. જો કે, આ વાઈરસ છેલ્લાં 24 વર્ષથી છે, જેથી ગભરાવવાની જરૂર ન હોવાનું ડોકટર જણાવી રહ્યાં છે.
કોને છે સૌથી વધુ ખતરો
બાળકો અને વૃદ્ધોને એચએમવીપી વાયરસથી સૌથી વધુ જોખમ હોય છે. કોરોનામાં પણ આ બંનેને વધુ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. આ વાયરસના વધતા પ્રકોપને જોતા ચીનને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. દરેકને સ્વચ્છતા જાળવવા અને માસ્ક વગર બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી રહી છે.
સાવચેતી અતિ જરૂરી
1.ખાંસી કે છીંક આવતી વખતે તમારા મોં અને નાકને રૂમાલ અથવા ટીશ્યુથી ઢાંકો.
2.તમારા હાથને વારંવાર સાબુ અને પાણીથી ધોઈ લો અથવા આલ્કોહોલ આધારિત સેનિટાઈઝરનો ઉપયોગ કરો.
3.ભીડવાળી જગ્યાઓ ટાળો અને ફ્લૂથી પ્રભાવિત લોકોથી અંતર જાળવો.
4.જો તમને તાવ, ઉધરસ કે છીંક આવતી હોય તો જાહેર સ્થળોએ જવાનું ટાળો.
5.પૂરતા પ્રમાણમાં પાણી પીવો અને પૌષ્ટિક ખોરાક લો. તમામ સ્થળોએ પર્યાપ્ત વેન્ટિલેશનની ખાતરી કરો.
6.જ્યારે તમે બીમાર હોવ ત્યારે ઘરે રહો અને અન્ય લોકો સાથે સંપર્ક મર્યાદિત કરો.
7. પૂરતી ઊંઘ લો.