પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલમાં સ્થળાંતરિત થયેલ ગાયનેક વિભાગની ઓપીડીમાં 976 મહિલા દર્દીઓ નોંધાયા
વિશ્વવ્યાપી કોરોનાની મહામારીને કાબુમાં રાખવા માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજય સરકાર દ્વારા છેલ્લા એક વર્ષમાં અનેક વિધ પગલા લેવામાં આવ્યા છે. જેમાં જિલ્લા કક્ષાની કોવિડ હોસ્પિટલ, ઓકિસજન, વેન્ટિલેટર, એમ્બ્યુલન્સ, ધન્વંતરી-સંજીવની આરોગ્ય રથ, કોરોના ટેસ્ટ અને તે માટેની લેબોરેટરી સહિતની સુવિધાઓનો સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લામાં પણ જિલ્લા વહિવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સર્વશ્રેષ્ઠ કામગીરી છેલ્લા એક વર્ષમાં કરાઇ છે.
હાલ 2021 માં પણ કોરોનાની બીજી લહેરમાં પણ વહિવટી તંત્ર દ્વારા કોરોના દર્દીઓને ઉત્તમ સારવાર મળી રહે તે માટેના તમામ પ્રયોસો થઇ રહયા છે. તંત્ર દ્વારા લોકોની ચિંતા કરવામાં આવી રહી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ, અર્બન આરોગ્ય કેન્દ્રો ઉપરાંત પેલેસ રોડ ઉપર આવેલ પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલમાં પણ આરટીપીસીઆર અને રેપિડ એન્ટિજન ટેસ્ટ થઇ રહયા છે.
કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી 18 પ્રેગનેન્ટ મહિલાઓના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવાતાં બે પ્રસુતા મહિલાઓ પોઝીટીવ- બંને મહિલાઓને સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાઇ
રાજકોટની મહિલાઓની પ્રસુતા માટેની ઝનાના હોસ્પિટલ ગત તા.10.4.21થી પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલમાં સ્થળાંતરિત કરાયો છે. આમ તો આ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટને બાદ કરતાં નોન કોવિડની જ કામગીરી થઇ રહી છે. આમ છતાં અહીં ગાયનેક વિભાગ સિફટ થતાં દસ દિવસમાં 976 ઓપીડી રહી છે. આ પૈકી કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી 18 પ્રેગનેન્ટ મહિલાઓના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવાતાં બે પ્રસુતા-મહિલાઓ પોઝીટીવ આવી હતી. જેથી આ બંને મહિલાઓને સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાઇ હતી. તેમ ઇન્ચાર્જ આરએમઓ ડો.નુતન લુંગાતરીએ જણાવ્યું હતું.
આ ઉપરાંત સેન્ટર ઉપર આશરે તબીબો, પેરા મેડિકલ સ્ટાફ, હાઉસ કીપીંગ અને અટેન્ડન્સ સતત છેલ્લા એક વર્ષથી રાત દિવસ દર્દીઓની સેવા કરી રહયા છે. દર્દીઓને નિદાન-સારવાર, ઓકિસજન બધુ જ વિનામૂલ્યે પૂરું પાડવામાં આવે છે. આ માટે રાજય સરકાર તમામ પ્રકારની મદદ કરી રહી છે. ગાયનેક વિભાગ ઉપરાંત વૃધ્ધ લોકો માટે પણ વિશેષ સુવિધા છે. દર્દીને ડાયપર પહેરાવાથી લઇ ખવડાવવા સુધીની સુવિધા પૂરી પાડવામાં આવે છે. તેમ વહિવટકર્તા ડો.ખ્યાતિ દવેએ જણાવ્યુ હતું.