ભારતમાં હાર્ટ એટેકનાં મૃત્યુ દરમાં ચિંતાજનક વધારો: ડો. ધર્મેશ જયદીપ દેસાઇ
રાજકોટ દર વર્ષે ૨૯ સપ્ટેમ્બર ‘વર્લ્ડ હાર્ટ ડે’ તરીકે મનાવાય છે. વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન આંકડા મુજબ હાર્ટ એટેકથી દર વર્ષે ૨.૫ કરોડ લોકોના મૃત્યુ થઇ રહ્યા છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં આ આંકમાં ૨૩ કરોડની વૃઘ્ધિ થવાની સંભાવના છે. ભારતમાં ૨૫ ટકા મૃત્યુ હાર્ટ એટેકથી થઇ રહ્યા છે. શહેર વિસ્તારમાં એટેકનું પ્રમાણ ૧૫ ટકા અને ગ્રામ્ય વિસ્તારમાં ૭.૫ ટકા છે જે છેલ્લા ૧૦ વર્ષમાં ૭ ગણો વધી ગયો હોવાનું
આજે વિશ્ર્વ હાર્ટ ડે અવેરનેસમાં પત્રકારોને માહિતી આપતા ડો. ધર્મેશ સોલંકી અને ડો. જયદીપ દેસાઇએ જણાવ્યું હતું.
તેઓએ ઉમેર્યુ હતું કે, વર્તમાન સમયમાં યુવાનોમાં પણ હાર્ટ એટેક આવવાના બનાવો વધી રહ્યા છે જેના મુખ્ય કારણો તમાકુ, પાન-બીડી, ગુટખાનું સેવન નહીવત પ્રમાણમાં શારીરિક કસરત, ખોરાકમાં ફ્રુટ અને લીલા શાકભાજીનો અભાવ, બેદરકારી, મેદસ્વીપણું, ડાયાબીટીસ, કોલેસ્ટ્રોલ, તણાવ વિગેરે છે.
હાર્ટ એટેકમાં વહેલી સારવાર થાય તે જ‚રી છે. એટેક આવ્યાના એક કલાક કે જેને ‘ગોલ્ડન અવર્સ’ કહેવાય છે. તે સમયમાં જ‚રી ટ્રીટમેન્ટ મળે તો દર્દીને મૃત્યુનાં મુખમાં જતા અટકાવી શકાય છે. ગોલ્ડન અવરમાં સારવાર મળતાં જ હાર્ટ એટેકનો ભોગ બનેલ દર્દી ફરી નોર્મલ થઇ શકે છે. અને તંદુરસ્ત રહી શકે છે.
હાર્ટ એટેક આવે ત્યારે હંમેશા યાદ રાખો ૧૦૮ એમ્બ્યુલન્સની સેવા મેળવી નજીકની ખાનગી અથવા સરકારી હોસ્પિટલમાં ત્વરીત સારવાર મેળવવાથી દર્દી બચી શકે છે.
ડીપાયોલોજીસ્ટ ડો. ધર્મેશ સોલંકી અને ડો. જયદીપ દેસાઇએ પોતાની યશસ્વી તબીબી સેવા તથા બહોળા અનુભવ કે જેમાં તેઓએ ૨૫૦૦૦ થી વધુ એન્જીયોગ્રાફી અને ૧૦૦૦૦ થી વધુ એન્જીયોપ્લાસ્ટીક કરેલ છે. તેના કેટલાક અનુભવો વર્ણવતા જણાવેલ કે વર્ષો પહેલા હાર્ટ એટેક થયે મદ્રાસ અથવા મુંબઇ જવું પડતું હવે હાર્ટ એટેકની સારવાર રાજકોટમાં જ ઉપલબ્ધ બની છે. અમો બંને વર્ષોથી એક સાથે જ તબીબી સેવામાં સંકળાયેલા છીએ. બાળકોથી માંડી વૃઘ્ધો સુધીના દર્દીઓની નિદાન તથા સારવાર કરી રહ્યા છીએ. અમારા અનુભવ પ્રમાણે હાલ ૩પ થી ૪૦ વયની આયુના યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે.
આજે હ્રદયમાં ગભરામણ થાય તો લોકો નિદાન સારવારને બદલે ગેસ ચડયો છે તેમ માની સોડા લીંબુ પાણી પીવા દોડી જાય છે. અને મહત્વનો સમય (ગોલ્ડન અવર્સ) બગાડે છે. પરિણામે હાર્ટ એટેકની સારવાર નિદાન થાય તે પહેલા જ પ્રભુને ભેટે છે. સમયસરની સારવાર, બ્લડ પ્રેસર, સુગર, લોહીની તપાસ, દરરોજ યોગ, વ્યાયામ, કસરત, મનોરંજન વોકીંગથી શરીરને તંદુરસ્ત રાખી ભારે એટેક આવતો અટકાવી શકાય છે.