ચોમાસામાં કપાસ અને મગફળી બાદ શિયાળા પાક જીરૂ નિષ્ફળ જતાં સળગીને જીવન ટૂંકાવ્યું
પડધરી તાલુકાના મોટા રામપરના ખેડુતનો જીરૂનો પાક નિષ્ફળ જતાં પોતાની નાની પુત્રીની સગાઇ અને લગ્ન કંઇ રીતે થશે તેની ચિંતાના કારણે પોતાના ઘરે શરીરે કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દેતા તેમનું મોત નીપજયાનું પોલીસમાં નોંધાયું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોટા રામપર ગામે રહેતા સવજીભાઇ નરભેરામ ભોજાણી નામના ૫૦ વર્ષના પટેલ ખેડુતે પોતાના ઘરે શરીરે કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દેતા તેઓ ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાતા તેમનું મોત નીપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કર્યુ છે.
મૃતક સવજીભાઇ ભોજાણીએ ચોમાસામાં બાર વિઘાના ખેતરમાં કપાસ અને મગફળીનું વાવેતર કર્યુ હતું. મગફળીમાં મુંડો અને કપાસમાં ઇયળ આવી જતાં બંને પાક નિષ્ફળ જતા તેઓએ શિયાળામાં જીરૂનું વાવેતર કર્યુ હતું. પરંતુ જીરૂનો પાક પણ નિષ્ફળ જતા તેઓ કફોડી સ્થિતીમાં મુકાયા હતા.
પાક નિષ્ફળ જવાના કારણે પરિવારનું ગુજરાન અને નાની પુત્રીની સગા તેમજ લગ્ન કંઇ રીતે થશે તેની ચિન્તામાં છેલ્લા કેટલાક સમયથી ગુમસુમ રહેતા હોવાના કારણે અગ્નિસ્નાન કરી આપઘાત કર્યાનું દિનેશભાઇ ડાયાભાઇ ભોજાણીએ જણાવ્યું હતું.