- પીડિતાના બિભત્સ ફોટા-વીડિયા ઉતારી વારંવાર બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યાની ફરિયાદ નોંધાઈ
રાજકોટ શહેરમાં ટ્રેકટરનો શો રૂમ ધરાવતી મહિલા પર સેલ્સમેને દુષ્કર્મ આચર્યાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ટ્રેકટર કંપનીના અધિકારી આવ્યા હોય તેમને મળવા માટે શહેરની એક હોટેલમાં બોલાવી બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યા બાદ પીડિતાના બિભત્સ ફોટો-વિડીયો ઉતારી બ્લેકમેલ કરી કટકે કટકે રૂ. 67 લાખ પડાવી લીધાની ફરિયાદ નોંધાઈ છે. હાલ મામલામાં પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર શહેરમાં રહેતી 30 વર્ષની મહિલાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે સાણંદના રિવેરા ગાર્ડન, ગ્રીન બંગ્લોઝમાં રહેતા ધીરજ બલિયાનનું નામ આપ્યું હતું. પીડિત મહિલા ટ્રેક્ટરનો શોરૂમ ધરાવે છે. શોરૂમમાં જે કંપનીના ટ્રેક્ટર રાખવામાં આવતા હતા તે કંપનીનો સેલ્સમેન ધીરજ બલિયાન અવારનવાર આવતો હતો. તેની સાથે પરિચય હોય ધંધાકીય વાતો થતી હતી.
એકાદ વર્ષ પહેલાં ધીરજ બલિયાને ટ્રેક્ટરની કંપનીના મોટા અધિકારી રાજકોટ આવ્યા છે અને તેમની સાથે મિટિંગ કરવાથી ધંધામાં ફાયદો થશે તેમ કહી ધીરજ બલિયાને મહિલાને એક હોટેલમાં બોલાવી હતી.
ટ્રેક્ટરની કંપનીના અધિકારીને મળવાનું હોવાનું સમજી મહિલા હોટેલમાં પહોંચી ત્યારે તેને જાણ થઇ હતી કે કંપનીનો અધિકારી આવ્યો નહોતો પરંતુ સેલ્સમેન ધીરજ બલિયાને જ ખેલ પાડ્યો હતો અને મહિલાને બોલાવી હતી. હોટેલના રૂમમાં મહિલા બેઠી હતી ત્યારે ધીરજ બલિયાને બળજબરી કરી મહિલા સાથે શરીરસંબંધ બાંધી લીધા હતા અને તેના ફોટા તથા વીડિયો પણ ઉતારી લીધો હતો. દુષ્કર્મ આચર્યા બાદ ધીરજ બલિયાને મહિલાને આ અંગે કોઇને નહીં કહેવા ધમકી આપી હતી અને બાદમાં વીડિયો તથા ફોટા વાઇરલ કરી દેવાની ધમકી આપી મહિલાને અવારનવાર હોટેલમાં બોલાવી તેની સાથે શારીરિક બળજબરી કરતો હતો. બાદમાં ફોટા અને વીડિયો વાઇરલ કરવાનીધમકી આપી ધીરજ પૈસાની માંગ કરવા લાગ્યો હતો. પોતાને બદનામી મળશે તેવી ભીતિ લાગતાં મહિલા પૈસા આપવા તૈયાર થઇ હતી અને તેનો ગેરલાભ ઉઠાવી પ્રથમ વખત ધીરજે રૂ.13 લાખ પડાવ્યા હતા.
પૈસા આપવાથી પોતાનો છુટકારો થશે તેવું મહિલા સમજી રહી હતી, પરંતુ ધીરજ બલિયાન વધુ બેફામ થયો હતો અને છાશવારે ધમકી આપી પૈસા માગતો રહેતો હતો અને મહિલા પૈસા આપતી રહી હતી. એક વર્ષમાં રૂ.67 લાખ જેટલી માતબર રકમ ધીરજે પડાવી હતી. આમ છતાં ધીરજની આર્થિક ભૂખ પૂરી થઇ નહોતી અને તે સતત નાણાંની માંગ કરતો રહેતો હોય અંતે મહિલાએ પોલીસનું શરણું લીધું હતું. મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ત્રિવેદીએ દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી ધીરજ બલિયાનને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.