સોશિયલ મીડીયામાં વાયરલ થયેલા અહેવાલનું કોંગ્રેસના ધારાસભ્યએ કર્યું ખંડન
લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ કોંગ્રેસમાં એક પછી એક ધારાસભ્ય પક્ષમાંથી રાજીનામું ધરી પક્ષપલ્ટો કરવાનો શરૂ થયેલો સીલસીલો કચ્છના રાપર પહોચ્યો છે. કોંગ્રેસના ગઢ સમાન રાપર બેઠક પર પ્રથમ વખત જ વિજેતા બનેલા સંતોકબેન અરેઠીયાએ પક્ષમાથી રાજીનામું ધરી દીધાના સોશિયલ મિડિયામાં વાયરલ થયેલા અહેવાલનું ખંડન કરી પોતે રાજીનામું ન આપ્યાનું સ્પષ્ટ કર્યું છે.
લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા ૨૬ ઉમેદવાર મેદાનમાં ઉતારવા મથી રહી છે. ત્યારે એક પછી એક ધારાસભ્ય રાજીનામું આપી પક્ષ પલ્ટો કરવાનું શરૂ કરી દીધું છે. કોગ્રેસના ધારાસભ્યોમાં જસદણના કુંવરજીભાઈ બાવળીયા, ઉંઝાના આશાબેન પટેલ, માંગરોળના જવાહર ચાવડા, ધ્રાંગધ્રાના પરષોતમ સાબરીયા, જામનગર ગ્રામ્યના વલ્લભભાઈ ધારવીયા જે રીતે રાજીનામા આપ્યા તે રીતે રાપરનાં સંતોકબેન અરેઠીયાએ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધાના અહેવાલથી કોંગ્રેસમાં દોડધામ મચી ગઈ હતી.
એક વર્ષ પૂર્વે જ કોંગ્રેસમાંથી ટિકિટ મેળવી વિજેતા બનેલા ધારાસભ્ય સંતોકબેન અરેઠિયાએ રાજીનામું આપી પક્ષ પલ્ટો કર્યાની વાતનો ઈન્કાર કરી પોતે ગાંધીનગર હોવાનું અમારા કચ્છના પ્રતિનિધિ સાથે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતુ.
લોકસભાની ચૂંટણી ધ્યાનમા રાખી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાનીમાં અમદાવાદ ખાતે સી ડબલ્યુસીની બેઠક શરૂ થાય તે પૂર્વે જ સંતોકબેન અરેઠિયાએ રાજીનામું આપી પક્ષ પલટો કર્યાની વાતનું ખંડન કર્યું છે. સીડબલ્યુસીની બેઠકમાં કોંગ્રેસી ધારાસભ્યોને સાચવાની અને લોકસભા માટે ૨૬ ઉમેદવારો નકકી કરવાની ચર્ચા થઈ હતી.