- ખટોદરા વિસ્તારમાં રેપ અને છેતરપિંડી મામલે 2024માં મહિલા ફરિયાદીએ ગુનો નોંધાવ્યો હતો
- આરોપી ઉદય હેમંત નવસારી વાલાની પોલીસે કરી ધરપકડ
- આરોપીઓએ 2 કરોડની ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી
સુરત ખટોદરા વિસ્તારમાં રેપ અને છેતરપિંડી મામલે 2024માં મહિલા ફરિયાદીએ ગુનો નોંધાવ્યો હતો. આ દરમિયાન આરોપી ઉદય હેમંત નવસારી વાલાની પોલીસે ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ, આરોપી અને ફરિયાદી સાથે ભણતા હતા. આ ઉપરાંત ફરિયાદીને લગ્નની લાલચ આપી આરોપીએ રૂપિયા અને દાગીના પડાવ્યા હતા. તેમજ આરોપીઓએ 2 કરોડની ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી.
વર્ષ 2024માં આરોપી ઉદય હેમંત નવસારીવાલા વિરૂદ્ધ તેની જ પ્રેમિકાએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉદયે પૂર્વ ઓળખનો લાભલઈને 40 વર્ષીય પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી હતી. પોતે પરિણીત હોવા છતાં લગ્નની લાલચ આપીને તેની સાથે શારિરીક સંબંધ બાંધ્યા હતા. બંને છૂટાછેડા લઈ લગ્ન કરી લેશે તેવી વાતો કરી હતી. પીડિતાએ પોતાના પતિથી છૂટાછેડા પણ લઈ લીધા હતા. જોકે, પીડિતાને લગ્નની લાલચ આપી પોતાની સારવાર અને તાંત્રિક વિધિના બહાને પરિણીતા પાસેથી રોકડ અને દાગીના મળી કુલ બે કરોડ પડાવ્યા હતા.
આરોપીએ પોતે બીમાર હોવાનું નાટક કરીને પોતાના મિત્ર વિતરાગ શાહની મદદથી નકલી હોસ્પિટલ બિલ બનાવી પીડિતા પાસેથી પૈસા પડાવ્યા હતા. નકલી મેડિકલ રિપોર્ટ અને વીડિયો બનાવી મહિલા પાસેથી વધુ રૂપિયા પડાવ્યા હતા. પીડિતાના દાગીનાઓ પણ ભાગ્યલક્ષ્મી જ્વેલર્સના માલિક સ્નેહલ દલાલ અને કેતુલ દલાલ પાસે ગીરવે મુકી 78 લાખ રૂપિયા ઉઘરાવ્યા હતા.
તાંત્રિક વિધિના નામે પણ રૂપિયા પડાવ્યા હતા આરોપીએ અમદાવાદના આચાર્ય એ.જે. ગુરૂજીના માધ્યમથી પીડિતાને વિશ્વામાં લઈ તાંત્રિક વિધિના બહાને વધુ રૂપિયા પડાવ્યા હતા અને ભવિષ્યમાં લગ્ન થશે તેવી લાલચ આપી હતી.
ખટોદરા પોલીસ સ્ટેશનમાં મુખ્ય આરોપી ઉદય હેમંત નવસારીવાલા સહિત તેના મિત્ર વિતરાગ શાહ, માલિક સ્નેહલ દલાલ અને કેતુલ દલાલ સામે દુષ્કર્મ અને છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. પોલીસે અત્યાર સુધીમાં આશરે 60 ટકા મુદ્દામાલ રિકવર કર્યો છે અને આગળની તપાસ શરૂ કરી છે. પોતાના ઘરની અંદર ICU જેવું સેટઅપ કરીને પીડિતાની સાથે છેતરપિંડી કરી હતી. પીડિતા તેની ઉપર વિશ્વાસ કરતી હોવાથી આરોપી ઉદયે તેના મિત્રના માધ્યમથી પીડિતાને જણાવ્યું હતું કે, તે ગંભીર બીમાર છે અને પૈસાની જરૂર છે.
પીડિતાની પાસે જે પણ મિલકત હતી જેમ કે, 1 કિલો સોનું, 20 કિલો ચાંદી અને ડાયમંડ જ્વેલરી પણ અલગ અલગ બહાના બનાવી તેના મિત્રોની મદદથી લઈ લીધા હતા. મુંબઇની હોસ્પિટલ બહાર જઈ તેના મિત્રે લાઈવ લોકેશન મોકલીને પીડિતાને બતાવ્યું હતું કે, ઉદય હોસ્પિટલમાં દાખલ છે. ખોટા બિલ બતાવી પૈસા પડાવ્યા હતા. ફ્લેટના નામે પણ પૈસા ઉઘરાવ્યા હતા અને તાંત્રિક વિધિ તથા જ્યોતિષના નામે પણ પીડિતા પાસેથી રૂપિયા પડાવ્યા હતા. આ રીતે સમગ્ર કાવતરૂં રચી પીડિતાની સાથે મોટાપાયે છેતરપિંડી કરવામાં આવી હતી.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય