ત્રણ-ત્રણ વાર રજૂઆતો કરી હવે તો ગંદા પાણીનો નિકાલ લાવો
સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં આવેલી વિનાયકનગર સોસાયટીમાં ગટરના ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી રોષે ભરાયેલા સ્થાનિકો પાલિકા કચેરીએ દોડી આવ્યા હતા. અને ત્રણ વાર રજૂઆતો કરવા છતાં કોઇ જ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનું જણાવી પાલિકાના કર્મચારીઓને ઉગ્ર રજૂઆતો કરી તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી હતી.
સુરેન્દ્રનગર શહેરના વોર્ડ નંબર 10 માં આવેલા રતનપર વિસ્તારમાં આવેલી વિનાયકનગર સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓના અભાવથી રોષે ભરાયેલી મહિલાઓ સહિતના ટોળાએ ગુરૂવારે પાલિકા કચેરી ગજવી હતી. મહિલાઓ સહિતનાઓએ રજૂઆત કરતાં જણાવ્યું કે ગટરના ગંદા પાણીના નિકાલની કોઇ વ્યવસ્થાના હોવાના કારણે સોસાયટીમાં જ ઠેર ઠેર ગંદા પાણીના તળાવડા સર્જાય છે. ગંદા પાણીના નિકાલ માટે અવારનવાર સોસાયટીઓમાં ઝઘડાઓ પણ થાય છે તેમજ ગંદા પાણીના ભરાવાના કારણે માખી, મચ્છરોના ઉપદ્રવથી રોગચાળો ફેલાવાનો પણ ભય રહે છે.
આ અંગે પાલિકામાં અગાઉ પણ ત્રણ વાર રજૂઆતો કરવા છતાં કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. પીવાનું પાણી પણ ખુબ જ વાસ વાળું અને અપુરતું આવે છે જેના કારણે પીવાના પાણીની પણ સમસ્યા સર્જાય છે ત્યારે પાલિકાતંત્ર દ્વારા ઝડપથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે. આ અંગે પાલિકા પ્રમુખ વિપિનભાઇ ટોલીયાએ જણાવ્યું કે સ્થળ પર ટીમ મોકલી તપાસ કરી ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરી લોકોની મુશ્કેલી દુર કરવામાં આવશે.