ત્રણ ત્રણ વખત કોન્ટ્રાકટરને નોટિસ ફટકારી છતાં કામગીરી અધુરી ; વાહન ચાલકો હેરાન – પરેશાન
હળવદના સરંભડાથી સુંદરીભવાની ગામના રસ્તાનુ કામ ચાલુ કરવાની ત્રણ ત્રણ વખત નોટિસ ફટકાર્યા બાદ કામ ચાલુ થતાં વાહન ચાલકોમાં આનંદ તો થયો હતો પરંતુ કામગીરી પુર્ણ કરવાની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ કામ પુરુ ન થતાં વાહન ચાલકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. ત્યારે ગ્રામજનો દ્વારા સરંભડાથી સુંદરીભવાની બનતા ચાર કિલોમીટર જેટલાં રોડમાં અપુરતા માલ સામાન વાપરીને નબળી કામગીરી કરી વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
સરંભડાથી સુંદરી ભવાનીના રસ્તા બનાવવા માટે તંત્ર દ્વારા ત્રણ ત્રણ વખત કોન્ટકટરોને નોટિસો પાઠવ્યા બાદ આખરે કામગીરી હાથ ધરવામાં આવી પરંતુ નબળી કામગીરી થતી હોવાની ફરિયાદ ઉઠી છે ત્યારે ચાર કિલોમીટર માટે ૧.૯૪ લાખ રૂપિયા મંજૂર થયા છે પરંતુ સોલંકી કન્ટ્રક્શન દ્વારા કામ પુરા કરવાની સમયમર્યાદા પુર્ણ થયા બાદ પણ કામ અધુરું હોવાથી ગ્રામજનો પિડાઈ રહ્યાં છે.
ત્યારે સરંભડાથી સુંદરીભવાની બનતાં રોડમા ગેરરીતિ આચરવામાં આવી છે અને એસ્ટીમેટ મુજબ કામગીરી નહીં કરી ભ્રષ્ટ કોન્ટ્રાકટરો પોતાના ખિસ્સામાં માલ સેરવી રહ્યા છે ત્યારે આવી ભ્રષ્ટ કામગીરી કરતાં કોન્ટકટરોને સરકારી બાબુઓ છાવરી રહ્યા હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છેકે હળવદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા તા. ૩૧/૫/૧૭, તા.૧૭/૧૦ અને ૨૫/૧ના રોજ કામગીરી ચાલુ કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા નોટિસ ફટકારી હતી
પરંતુ ત્રણ ત્રણ વખત નોટિસ ફટકાર્યા બાદ આખરે કામ ચાલુ થયા પછી પણ ૬ મહિનામાં કામ પુરુ ન થતાં ગ્રામજનોનો ઉકળાટ સપાટી પર ઉતરી આવ્યો છે અને આવી નબળી કામગીરી કરતી એજન્સીઓને બ્લેકલીસ્ટ કરવા માંગ ઉઠી છે.