વિવિધ પ્રશ્ર્નોને લઈ યુવા ધારાશાસ્ત્રીની ઉચ્ચકક્ષાએ રજુઆત

ધોરાજી શહેરમાં હાલ ૯ વોર્ડ છે અને ૩૬ સદસ્યો દરેક વોર્ડ દીઠ ૪ એમ સેવા આપે છે. ધોરાજી શહેરમાં હજુ વોર્ડ નં.૯ વિકાસની દ્રષ્ટિએ સૌથી મોખરે છે અને એ-ગ્રેડનો વોર્ડ ગણી તે વિસ્તારની મિલકત વેરા આકારણી પણ અન્ય વોર્ડની સરખામણીમાં ઉંચી આકારાઈ છે અને તમામ નાગરીકો સમયસર વેરો, પાણી ફી ભરપાઈ કરે છે. આમ છતાં હાલના નગરપાલિકાના સતાધીશો દ્વારા વોર્ડ નં.૯ તથા ૫ પ્રત્યે ઓરમાર્યું વર્તન રખાય છે અને સરકાર તરફથી શહેરના વિકાસ માટે જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેનો મનફાવે તે રીતે સતાધીશો દ્વારા સતાની સાંઠમારીમાં સતાધીશો પોતાની રીતે ઉપયોગ કરે છે અને ખરેખર જયાં જરૂર છે તેવી જગ્યાએ કોઈ કામ કરવામાં આવ્યું નથી.

શહેરીજનોની મુખ્ય જરૂરીયાત રોડ, પાણી, લાઈટ અને સફાઈ છે તો નવા વિકાસ પામેલ વિસ્તારોમાં હજી પ્રાથમિક જરૂરીયાત કોઈને મળતી નથી અને આવેલ ગ્રાન્ટની રકમ પોત પોતાની મનસ્વી રીતે અંદરો અંદર નકકી કરી ફાળવી લે છે.નગરપાલિકાના ચીફ ઓફિસર કે જેની ફરજ દરેક વોર્ડ-વિસ્તારમાં ફરી લોકોને શું જરૂર છે તે જોવા જાણવાની હોય છે તેઓ સતાધીશો જે રીતે રકમ નકકી કરે તે રીતે મંજુરીની મહોર મારી દે છે.

શહેરમાં ધમધમતા વિસ્તારોમાં હજુ કચરાના ગંજ ખડકાયેલા છે. આવા ઘણા બધા પ્રશ્ર્નો હોય તેમજ હજી રોડ-રસ્તા પણ નવા વિસ્તારોમાં બાકી હોય આ તમામ પ્રશ્ર્નોના નિકાલ માટે અને નામદાર સર્વોચ્ચ અદાલતે ઠરાવેલ સિઘ્ધાંતોનું યોગ્ય પાલન થાય તે માટે ધોરાજીના રોડ-રસ્તા બાબતે લડત ચલાવી. જે-તે વખતની બોડીને સુપરસીડ કરવા સુધી લડત આપનાર એડવોકેટ ચંદુભાઈ પટેલ ફરીથી લડતના મંડાણ કરેલ છે અને જરૂર પડયે અદાલત અગર તો ગાંધી ચિંઘ્યા રાહે પણ આગળ વધવાની તૈયારી સાથે ચંદુભાઈએ લડતનો આરંભ કરેલ છે અને તેઓ જાહેર જનતાને વિનંતી કરે છે કે તેઓના જે કાઈ પ્રશ્ર્નો નગરપાલિકા વિરુઘ્ધ રોડ, રસ્તા, લાઈટ, સફાઈ બાબતના હોય તેઓ નગરપાલિકામાં અરજી આપી એક નકલ ચંદુભાઈને પહોંચાડે તેવી વિનંતી કરે છે અને આ તમામ પ્રશ્ર્નો બાબતે ચંદુભાઈ પટેલે ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.