કોચે પોતાની પાસે કોચીંગ લેતા બાળકોની ખુલ્લેઆમ તરફેણ કરી હોવાનો કેન્દ્રીય વિદ્યાલય વાલી મંડળનો આક્ષેપ.
રેસકોર્ષ મેદાન ખાતે ખેલ મહાકુંભની અન્ડર-૧૪ની બાસ્કેટ બોલ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં એક ખાનગી કોચે પોતાની પાસે કોચીંગ લેતા બાળકોની ખુલ્લેઆમ તરફેણ કરી હોવાનો કેન્દ્રીય વિદ્યાલય વાલી મંડળે આક્ષેપ કરી કાર્યવાહીની માંગ ઉઠાવી છે.
કેન્દ્રીય વિદ્યાલય વાલી મંડળે જણાવ્યું હતું કે, રેસકોર્સ મેદાન ખાતે અંડર-૧૪ની બાસ્કેટ બોલ સ્પર્ધા રાખેલ હતી. જેમાં એક ખાનગી પરંતુ લાગવગીયા કોચ તરફથી અગાઉથી જ બધુ ગોઠવાઈ ગયાનો નજારો જોવા મળ્યો હતો. આ કોચ ખાનગી કોચીંગ ચલાવતા હોવાથી તેની પાસે જે બાળકો કોચીંગ લેતા હોય તથા પોતે જે શાળામાં કોચીંગ કરાવતા હોય, તેમની ખુલ્લેઆમ તરફેણ કરતા જોવા મળ્યા હતા. કારણકે આ તગદાર કોચ જ પોતે સ્પર્ધાના સંચાલક અને સર્વેસર્વા હતા. અહીં નોંધ લેવા જેવી બાબત એ છે કે સમગ્ર જવાબદારી આ લાગવગીયા કોચને જ સોંપી દીધેલ હતી.
પોતે કોચીંગ કરાવેલ ખેલાડી જ આગળ આવે તે માટે આ સંચાલકે વિકૃત રીતે એકતરફી નિર્ણયો આપે તેવી ગોઠવણી કરી દીધી હતી. તેનો ભોગ કેન્દ્રિત વિદ્યાલયના અન્ડર-૧૪ના ખેલાડીઓ બનતા અમુક ખેલાડીઓ તો મેદાનમાં જ ધ્રુસકે ધ્રુસકે રડી પડયા હતા. આ બધુ કયારના ચુપચાપ જોઈ રહેલા વાલીઓએ નમ્રતાથી રજુઆત કરતા તેની સહેજે અસર આ લાગવગીયા સંચાલક કે રેફરીઓ પર થઈ ન હતી. ઉપરાંત ખુલ્લેઆમ ખેલાડીઓ પર એકતરફી અન્યાય કરવાનું ચાલુ જ રાખેલ. ઉલ્ટાનું ઉપરા ઉપરી ખોટા ફાઉલ આપીને કેન્દ્રીય વિદ્યાલયની ટીમ પર માસિક દબાણ લાવવા અને ભયનું વાતાવરણ ઉભું કરવાનો ભરપુર પ્રયત્ન કર્યો હતો.