વીજ કંપનીના ભ્રષ્ટાચાર સામે લડત આપતા એકટીવીસ્ટ ધામાને માંગરોળ કોર્ટમાંથી આંશિક રાહત મળી
માંગરોળ વીજ ડીવીઝન તાબાની કચેરીઓના ભ્રષ્ટાચાર સંબંધે લડત કરતા વીજ કોન્ટ્રાકટર હમીરભાઈ ધામાનો વીજ કોન્ટ્રાકટને સ્ટોપડીલ કરતા વીજ કંપનીના નિર્ણયને માંગરોળ કોર્ટમાં પડકારતા કોર્ટ કોઈ નિર્ણય પર આવે તે પહેલા વીજ કંપની દ્વારા વ્હીકલો ભાડેથી ચલાવવા ઉતાવળ ઓનલાઈન ટેન્ડરની જાહેરાત બહાર પાડતા વચગાળાના મનાઈ હુકમની અરજીનો નિકાલ ન થાય ત્યાં સુધી યથાવત સ્થિતિ જાળવી રાખવા હમીરભાઈ ધામાએ કરેલી અરજીને નામ. કોર્ટે ગ્રાહય રાખી ઈ-ટેન્ડરીંગની પ્રક્રિયા સામે સ્ટેટસકવોનો હુકમ ફરમાવ્યો હતો અને વીજ કંપની દ્વારા વાદી હમીરભાઈ દાવાનો દાવો ચાલવાપાત્ર ન હોય કેશ કાઢી નાખવાની અરજીને કોર્ટે ફગાવી દીધી હતી.
જાણવા મળતી વિગતો મુજબ પી.જી.વી.સી.એલ. વીજ કંપનીના માંગરોળ ડીવીઝન તાબાની પેટા વિભાગીય કચેરીઓના લાઈન સંબંધી કામો માટેના પ્રોજેકટો માટે વીજ કોન્ટ્રાકટરો દ્વારા માલ ઉપાડી કાગળ ઉપર કામગીરી દેખાડી કરોડો રૂપિયાના માલનો જથ્થો બારોબાર વેચી મારી કામના બીલો મંજુર કરાવી કોન્ટ્રાકટરો અને અધિકારીઓની સિન્ડીકેટ દ્વારા ભાગ બટાઈ થતી હોવાના આધાર-પુરાવાઓ સાથેની ફરિયાદો એકટીવીસ્ટ હમીરભાઈ ધામા દ્વારા કરાતા સ્થાનિક વીજ ડીવીઝનના અધિકારીઓની સિન્ડીકેટ દ્વારા વીજ કોન્ટ્રાકટર હમીરભાઈ ધામાને ટાર્ગેટ બનાવી તેનો વીજ કોન્ટ્રાકટ સ્થગિત કરી કામો અને ભાડાના વ્હીકલોને બંધ કરવા અને ભવિષ્યમાં વીજ કંપનીના કોન્ટ્રાકટ માટેના ટેન્ડરોમાં ભાગ લેવા સામે પ્રતિબંધીત કરતા હુકમ સામે હમીરભાઈ ધામાએ માંગરોળની સિવિલ કોર્ટમાં દાવો કરી વીજ કંપનીના આ નિર્ણયને ગેરકાયદેસરનો અને રદબાતલ ઠેરવવાની દાદ માંગી દાવાના આખરી નિકાલ સુધી વીજ કંપનીના આ નિર્ણયને અમલી બનતા અટકાવવા વચગાળાનો મનાઈ હુકમ માંગ્યો હતો.
તેમજ વીજ કંપની દ્વારા સ્ટેટસકવોની અરજીની સુનાવણી રોકવાના ભાગરૂપે હમીર ધામાનો દાવો ચાલવાપાત્ર ન હોય કાઢી નાખવા આપેલ અરજી પણ કોર્ટે ફગાવી દીધી હતી. આમ હાલ વીજ કંપનીના ભ્રષ્ટાચાર સામે લડત આપતા એકટીવીસ્ટ ધામાને માંગરોળ કોર્ટમાંથી આંશિક રાહત મળી છે.