તપાસનીશ અધિકારીએ ૩૦ દિવસમાં રિપોર્ટ કરવા કોર્ટનો હુકમ
ગોંડલ શહેરના સિઘ્ધાર્થનગર, આશાપુરા ચોકડી, ગાયત્રી મંદિર પાસે રહેતા દિલીપભાઈ જયંતિભાઈ પંડયા ઉપર જયેન્દ્રસિંહ ઉર્ફે ટીનુભા મહેન્દ્રસિંહ ઝાલા તેના સાળા કુમારભાઈ, ટવ્વીકલસિંહ જાડેજા અને પ્રદિપસિંહ જાડેજા સહિતનાએ મુખી પેટ્રોલ પંપ પાસે ટીનુભા ઝાલાએ તેની પાસેની રીવોલ્વરમાંથી મારી નાખવાના ઈરાદે ફાયરીંગ કરી બિભત્સ ગાળો આપી પોતાની સ્કોરપીયોમાં નાખી મારકુટ કર્યાની પોલીસને જાણકારી આપતા પોલીસ ઈમરજન્સી જીપમાં મુખી પેટ્રોલપંપે આવેલા અને આરોપીઓ પાસેથી સ્કોરપીયો ગાડીમાંથી ઈજાગ્રસ્ત દિલીપભાઈને ઉતારી પોલીસ જીપમાં લઈ ગયેલ અને સારવાર અર્થે દાખલ કરેલ તે વખતે આપેલી ફરિયાદ અને બનાવના સીસીટીવી ફુટેજ ગોંડલ પોલીસને આપવા છતાં બનાવ અંગે હળવી કલમ મુજબ ગુન્હો નોંધી પોલીસે કાર્યવાહી કરેલી અને ગુનેગારોને છાવરેલા છે.
ગોંડલ હોસ્પિટલમાં દિલીપ પંડયા અને તેના ભાઈ ધર્મેશભાઈ સારવાર અર્થે ગયેલા ત્યારે સરકારી હોસ્પિટલમાં ટીનુભા ઝાલા અને ૨૦ થી ૨૫ વ્યકિતઓએ સાથે સરકારી હોસ્પિટલે આવેલ અને દિલીપભાઈ પંડયા અને તેના ભાઈ ધર્મેશને બિભત્સ ગાળો આપી દિલીપભાઈ પંડયાને મારી નાખવાના ઈરાદે માર મારેલો તે અંગેના સરકારી હોસ્પિટલના સીસીટીવી ફુટેજના બનાવ રેકોર્ડ થયેલ તે સહિતના ફુટેજ સાથે ફરીથી પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે હળવી કલમ મુજબ અમુક આરોપીઓ સામે ગુન્હો નોંધી જામીન મુકત કર્યા હતા. ખુનની કોશીશ જેવા બનાવ બબ્બે વખત બનવા છતાં પોલીસે આરોપીઓ રાજકીય વગ ધરાવતા હોય આથી છાવરેલી જેથી ફોજદારી અદાલતમાં ખાનગી ફરિયાદ ઉપરોકત આરોપીઓ સામે ઈપીકો કલમ ૩૦૭, ૩૨૪, ૩૨૬, ૧૨૦ (બી), આર્મ્સ એકટની કલમ-૨૫ મુજબ ફરિયાદ કરેલ જે ફરિયાદ ચીફ જયુ.મેજી. પી.એન.રાવલ દિવસ-૩૦માં તપાસનીશ અધિકારીએ રીપોર્ટ કરવા તથા સદરહું ફરિયાદ ક્રિ.પ્રો.કોડ કલમ-૨૦૨ અન્વયે કોર્ટ ઈન્કવાયરી કરવાનો આદેશ કરેલો છે.
આ કામે ફરિયાદી દિલીપભાઈ પંડયાવતી સીનીયર એડવોકેટ એલ.વી.લખતરીયા, બીનીતા જે ખાંટ અને ભાવિન આર.લીંબાણી રોકાયેલા છે.