રેપ સોંગ પર સીટીઓથી ગુંજી ઉઠયો સિનેમા હોલ : ઓછા દ્રશ્યોમાં પણ આલિયા મેળવી ગઈ તાલિયાં
રણવીર સિંહ અને આલિયા ભટ્ટએ તેમના ચાહકોને વેલેન્ટાઈન ગિફ્ટ આપી હતી. તેમણે શુક્રવારને બદલે એક દિવસ પહેલા એટલેકે ગુરુવારે ફિલ્મ ગલી બોય રજૂ કરી દીધી હતી. તારીખ ૧૪ મી ફેબ્રુઆરી ને વેલેન્ટાઈન ડે ના દિવસે રિલીઝ થયેલી ફિલ્મ ગલી બોય ને ખૂબ સારું ઓપનિંગ મળ્યું છે.
નિર્દેશક ઝોયા અખ્તર ની ફિલ્મ ગલી બોય ને દર્શકોએ હાથોહાથ વધાવી લીધી છે. ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટની સાથે કલ્કી કોચ્લિન, વિજય રાજ પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મ ગલી બોય માં તેના ટાઇટલની માફક રણવીર સિંહ ગલી બોય થી ઉપર ઉઠી ને એક રેપર બને છે. અસલમાં આ ફિલ્મની સ્ટોરી બે રેપર ના જીવન પર આધારિત છે.
ફિલ્મની સ્ટોરી મુંબઈની ઝૂંપડપટ્ટીની એક ચાલમાં રહેતા ટેક્સી ડ્રાઇવરનો જુવાન દીકરો મુરાદ શેખ(રણવીર સિંહ) ની છે. તેમાં રોમાંટિક એંગલ રૂપે શફીના (આલિયા ભટ્ટ) ની ભૂમિકા છે. ફિલ્મ શરૂઆતથી અંત સુધી ડ્રામા, ઇમોશન, રોમાન્સ અને હયૂમર થી ભરપૂર છે.
ફિલ્મની સ્ટોરીમાં નવીનતા છે. મુરાદની આસપાસ સ્ટોરી ઘૂમે છે. આલિયા ખૂબ ઓછા દ્રશ્યો માં પણ તાલિયાં મેળવી ગઈ. રણવીર સિંહ માટે કહી શકાય કે તે સ્લમ વિસ્તારના ગલી બોય થી લઈ ને એક પ્રોફેશનલ રેપર ના કિરદાર ને પડદા પર બખૂબી જીવી ગયો છે. કલ્કીની મહેમાન ભૂમિકા છે. બાકીના કલાકારો નું કામ જસ્ટ ઓ કે.
ફિલ્મ ની સ્ટોરી અને સ્ક્રીન પ્લે રીમા કાગતી અને ઝોયા અખ્તરે લખી છે. ગલી બોય ના નિર્દેશન માટે ઝોયા ને ફુલ માર્કસ આપવા પડે. ફિલ્મના ફર્સ્ટ અને સેકંડ હાફ મજેદાર છે. ખાસ કરીને રેપ સોંગમાં સિનેમા હોલ સીટીઓથી ગુંજી ઉઠયો હતો. આ ફિલ્મના મ્યૂઝિક પર અત્યારે યુવા ધન આફરીન છે.
ઓવરઓલ ફિલ્મ ગલી બોય એન્ટરટેઈનિંગ મૂવી છે. ૫૦ થી વધુ વયના લોકોને ફિલ્મનું મ્યૂઝિક નિરાશ કરશે. પરંતુ ઓવરઓલ ફિલ્મ દરેક વર્ગના લોકોને મોજ કરાવે તેવી છે. ખાસ કરીને યુવા પેઢી માટે આ ફિલ્મ કમાલ ધમાલ છે બૉસ.