માસીજીના ઘરે જવા છત પરથી જતા શખ્સને ટપારતા છરીથી હુમલો કરી ઢીમઢાળી દીધું
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ઉમરાળા ગામે ધાબા ઉપર નીકળવા બાબતે ટપારતા જેનો ખાર રાખી યુવક પર છરી વડે હુમલો કરી કરપીણ હત્યા નિપજાવ્યાની પાડોશીના સગા સામે ફરિયાદ નોંધાય છે. આ બનાવની જાણ થતા રાણપુર પોલીસ મથકના પીએસઆઈ સહિતનો સ્ટાફે દોડી જઈ નાશી છૂટેલા હત્યારાને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાણપુર નજીક ઉમરાળા ગામે રહેતા મેહુલ વશરામભાઈ બાવળીયા નામનો 27 વર્ષિય યુવાનની પાળીયાદ ગામે રહેતો વિજય વશરામ સાકરીયા નામના શખ્સે છરીના ઘા ઝીંકી ઢીમઢાળી દીધાની મૃતક મેેહુલના પિતા વશરામભાઈ બચુભાઈ બાવળીયાએ રાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી વિજય વશરામ સાકરીયા તેના માસાજીના ઘરે જવા માટે મૃતક મેહુલ બાવળીયાના ધાબા પરથી જતો હોય જે અંગે મેહુલ બાવળીયાએ વિજય વશરામ સાકરીયાને ટપારતા જે અંગેનો ખાર રાખી છરી વડે હુમલો કરી હત્યા નિપજાવી હતી.
પોલીસે વિજય વશરામ સાકરીયા સામે હત્યાની કલબ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.