કચ્છમાં આવેલું સફેદ રણ ઘણું પ્રાચીન છે. સફેદ રણમાં થતો રણોત્સવ પણ હવે વિશ્વવિખ્યાત બની ગયો છે. પરંતુ તેને કઈ રીતે વેગ મળ્યો, કઈ રીતે તેની શરૂઆત થઈ, કઈ રીતે તેનો વિકાસ થયો એ વિશે જાણવું પણ જરૂરી છે.
મરુ, મેરુ અને મહેરામણના ત્રિવેણી સંગમ ધરાવતું કચ્છ માત્ર જિલ્લો જ નથી, પરંતુ એક વિશિષ્ટ પ્રદેશ છે. પ્રવાસનના સ્વર્ગ સમું કચ્છ મેઘધનુષ્યના સાત રંગોની જેમ વિવિધ પ્રતિભા સાથે પ્રવાસીઓને આકર્ષવા માટે સક્ષમ છે. અહીં ધાર્મિક સ્થાનો, દરિયા કિનારો, ડુંગરાળ પ્રદેશ, સફેદ રણનું સૌંદર્ય, અનેક વિવિધતા, પર્યાવરણ અને વૃક્ષો, વનસ્પતિ તેમજ જંગલની વિવિધતા પણ કચ્છના પ્રવાસનની વિવિધ થીમ કહી શકાય છે. ખાસ કરીને દેશ-વિદેશના પ્રવાસીઓ માટે અહીં યોજાતો રણોત્સવ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ત્યારે આવો જાણીએ દેશ-પરદેશમાં રણોત્સવ કેવી રીતે જાણીતો થયો?
રણોત્સવની શરૂઆત કઈ રીતે થઈ
કચ્છમાં આવેલું સફેદ રણ ઘણું પ્રાચીન છે. પરંતુ અહીં યોજાતા રણોત્સવની કઈ રીતે તેની શરૂઆત થઈ? તેને કેવી રીતે વેગ મળ્યો? એ વિશે જાણવું પણ જરૂરી છે. કચ્છના જાણીતા કલાકાર પંકજભાઈ ઝાલા કે જેઓ રણ ઉત્સવની શરૂઆત સમયે એક કલાકાર તરીકે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સાથે જોડાયેલા હતા. રણોત્સવની શરૂઆત કઈ રીતે થઈ? તે અંગે પંકજભાઈ ઝાલાએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદીને સફેદ રણમાં આવીને ઘણી શાંતિ મળતી હતી. અહીં તેઓ સાધના પણ કરતા હતા. ભૌગોલિક સંપદા ધરાવતા આ પ્રદેશને વિશ્વ સુધી કઈ રીતે પહોંચાડવું તે અંગે નરેન્દ્રભાઈ મોદીને વિચાર આવ્યો. તેમના આ વિચારના પરિણામે રણોત્સવની શરૂઆત થઈ હતી.
કચ્છ કાર્નિવલથી રણોત્સવ સુધીની સફર
2003માં લોરિયા પાસેના વેકરિયાના રણમાં એક બે વખત રણોત્સવ થયા હતા. પરંતુ ત્યારબાદ 2005થી તેમણે ‘કચ્છ કાર્નિવલ’ની પણ શરૂઆત કરી હતી. કારણ કે કચ્છમાં સંસ્કૃતિ પણ છે, લોકકલા છે, લોક જાતિઓ વસે છે. આ સંસ્કૃતિનું જતન કરવા માટે ભુજ ખાતે બે વર્ષે ‘કચ્છ કાર્નિવલ’ મહોત્સવ કરવામાં આવ્યો હતો. પરંતુ દુર્ભાગ્યવશ તેને આગળ ધપાવવું શક્ય ન બન્યું.
રણોત્સવ દ્વારા થયો કચ્છનો વિકાસ
2005માં નરેન્દ્ર મોદીનાં હસ્તે રણોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ત્યારથી લઈને આજ સુધી અહીં રણોત્સવ યોજવામાં આવી રહ્યો છે. અહીં કચ્છની સંસ્કૃતિ અને પ્રસ્તુત કરવામાં આવે છે. આ સાથે ક્રાફ્ટ સ્ટોલ પણ રાખવામાં આવે છે. રણોત્સવમાં કચ્છની લોકકલા, હસ્તકલા, કાષ્ઠ કલા, માટીકામ, ચર્મ કામ વગેરેના પ્રદર્શન યોજવામાં આવે છે. જેને નિહાળવા માટે દૂર દૂરથી લોકો અહીં આવી પહોંચે છે. સાથોસાથ કચ્છની સંસ્કૃતિ કચ્છની હસ્તકલાને, લોકકલાને તથા લોકજાતિને પણ અહીં આવીને ભરપૂર માણે છે. એટલે આ રીતે રણોત્સવનો વિકાસ થતો ગયો સાથે રણોત્સવ દ્વારા કચ્છનો પણ કચ્છનો વિકાસ થતો ગયો એમ કહી શકાય.
રણ ઉત્સવનો ઇતિહાસ અને મહત્વ
રણ ઉત્સવ એટલે રણમાં ઉજવાતો ઉત્સવ
દુનિયાના અન્ય પ્રખ્યાત રણ વિસ્તારોમાં પણ આવા ઉત્સવોનું આયોજન પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવાના હેતુથી કરવામાં આવે છે. કચ્છ ઉપરાંત આફ્રિકા ખંડમાં આવેલા સહારા ના રણ અને ભારત દેશમાં રાજસ્થાનના રણ ખાતે આ પ્રકારના ઉત્સવો યોજવામાં આવે છે.ગુજરાતના કચ્છ જિલ્લામાં દર વર્ષે કચ્છ રણ ઉત્સવનું આયોજન થાય છે, સામાન્ય રીતે રણ ઉત્સવ ખારા પાણીના સરોવર પાસે યોજવામાં આવે છે.
વર્ષ 2005માં નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા બાદ વિધિવત્ રીતે કચ્છ રણ ઉત્સવની શરૂઆત કરાવી અને આજે રણ ઉત્સવ દેશ દુનિયામાં જાણીતું છે. અગાઉ વર્ષ 1992માં એક વખત પ્રવાસન વિભાગ દ્વારા કચ્છોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ 2005માં રણ ઉત્સવની શરૂઆત એ સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરાવવામાં આવી હતી અને તેઓ જાતે કચ્છ રણ ઉત્સવમાં હાજરી આપવા પણ જતા હતા.
કચ્છના સફેદ રણમાં દર વર્ષે જૂદી જૂદી થીમ પર રણ ઉત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. વર્ષ 2005માં શરૂ થયેલો આ રણ ઉત્સવ પહેલા માત્ર 3 દિવસ માટે યોજાયો હતો. જોકે, હવે જોતજોતામાં આ રણ ઉત્સવ 115 દિવસ એટલે કે ત્રણ મહિના સુધી યોજાય છે, જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોવા મળે છે.
રણ ઉત્સવના આકર્ષણો
આ ઉત્સવ દરમિયાન રણપ્રદેશમાં ઊંટ સવારી, કચ્છની સંસ્કૃતિના જનજીવનની ઝાંખી કરાવતા પ્રદર્શનો, કચ્છના સંગીત, ભરતકામ, માટીકલા, ચિત્રકામના ક્ષેત્રમાં નીવડેલા કલાકરોના કસબનું નિદર્શન, કચ્છની વાનગીઓ વગેરેનો લાભ મેળવી શકાય છે. આ રણ ઉત્સવ ત્યાંના સ્થાનિક લોકનૃત્યો અને લોક કલાઓની ભવ્ય રજુઆતો સાથે પ્રવાસીઓમાં આકર્ષણ જાગાડે છે. તેમાંય કચ્છનો સ્થાનિક અને પારંપારિક વારસો અહીંની લોક કલાનું જુદું જ ગૌરવ પ્રસ્થાપિત કરે છે. આ રણ ઉત્સવમાં અહીના સ્થાનિક કલાકારોની કલાની કસબ સાથે લોકવાયકાઓ અને લોક કથાઓને પર્યટક મહેમાનો સામે એવી ભવ્ય રીતે રજૂ કરવામાં આવે છે કે જેથી કોઈપણ પર્યટક અહીંથી પાછો ઘરે જાય તો બીજા વર્ષે ફરી કચ્છના રણ ઉત્સવને માણવાની તાલાવેલી સાથે પરત ફરે.
કચ્છમાં સફેદ રણ ઉપરાંત અન્ય પર્યટન સ્થળ પણ છે. જેમાં ભુજીયો ડુંગર, કાળો ડુંગર, આઇના મહેલ, પ્રાગ મહેલ, વિજય વિલાસ પેલેસ, કચ્છ મ્યુઝિયમ, હમીરસર તળાવ, માંડવીમાં રમણીય દરિયા કિનારો પણ અલૌકિક સુંદરતા ધરાવે છે. સરહદી લખપત તાલુકામાં માતાનો મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર જેવા ધાર્મિક પવિત્ર સ્થાનો પણ છે.
ભૂજથી કાળો ડુંગર લગભગ 90 કિલોમીટર દૂર છે. કચ્છના ઉતર ભાગમાં આવેલ કચ્છના મોટા રણની કાંધી પર ઉભેલ કચ્છનો ઉંચામાં ઉંચો ૧૫૫૨ ફુટ કાળો ડુંગર દતાત્રેય ભગવાનનું સ્થાન છે. દત્ત શિખર તરીકે ઓળખાતી ટોચ પર વિશાળ સપાટ જગ્યામાં મંદિર છે. કચ્છની ડુંગરની ત્રણ ધાર પર માંહેલી ઉતર ધાર પર કાળો ડુંગર સ્થિત છે. મુળ અરવલ્લી કુળનું આ પર્વત જુરાસીક પીરીયડનું છે એટલે કે સાડા છ કરોડ વર્ષ પ્રાચીન છે અને એટલા જ માટે તેની ટોચ ઉપરના પથ્થરો વચ્ચે લાકડાના તથા દરિયાઈ જીવોના અશ્મિઓ જોવા મળે છે. કહેવાતો આ કાળો પરંતુ ઉપર જતા જ લાગે આ કાળો નથી. આ સ્થાન ઊંચુ હોવાથી ભારત-પાક બોર્ડર પ્રવાસી દુરથી જોઈ શકે છે. સવારે સુર્યોદય અને સાંજે સુર્યાસ્ત માઉન્ટ આબુને ભુલાવી દે તેવો છે.
રણ ઉત્સવની યાત્રાનું આયોજન કેવી રીતે કરવું
- કચ્છના રણ સુધી પહોચવું કેવી રીતે :કચ્છના ધોરડો ગામમાં યોજાતો રણ ઉત્સવ ભુજથી 80 કિમી દુર આવેલો છે.
રોડ માર્ગ : અમદાવાદથી બસ સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમાં સરકારી અને ખાનગી એમ બંને સુવિધાઓ ઉપલબ્ધ છે. ખાનગી સેવા જેમાં અમદાવાદથી રાત્રે ૮ કલાકે ઉપડીને બસ ભુજમાં સવારે ૬ વાગે પહોચે છે. મુસાફરી થોડી મોંઘી પરંતુ સુખકારક છે. ભૂજ જવા માટે ખાનગી બસ સુવિધા ધરાવતી ટ્રાવેલ એજન્સીઓ પાલડી અને ગીતામંદિર વિસ્તારમાં આવેલી છે.
રેલવે માર્ગ : ભૂજ અને ગાંધીધામ એ લાંબા અંતરની ટ્રેનો સાથે ખુબજ સારી રીતે સંકળાયેલા છે અમદાવાદ સાથે અન્ય સ્થળો જેવા કે પુણે, મુંબઈ, કલકત્તા, નાગરકોઇલ વગેરે.
હવાઈ માર્ગ : ભૂજને તેનું પોતાનું સ્થાનિક હવાઈ મથક છે જે મુંબઈ, દિલ્લી અને અમદાવાદથી વિમાની સેવાઓ સાથે સંકળાયેલું છે.
કચ્છમાં વ્હાઇટ ડેઝર્ટ (સફેદ રણ)માં ધોરડો ખાતે ટેન્ટ સિટી ઉભુ કરવામાં આવ્યું છે. ટેન્ટ સિટીમાં 1 રાત્રી, 2 રાત્રી, 3 રાત્રી,અને 4 રાત્રી એમ અલગ અલગ પેકેજ છે. ભુજ રેલવે સ્ટેશનથી અને એરપોર્ટથી બસ દ્વારા પીક અને ડ્રોપની વ્યવસ્થા છે. પેકેજ અનુસાર સફેદ રણ ઉપરાંત આસપાસના જોવાલાયક સ્થળોની પણ મુલાકાત કરાવવામાં આવે છે.
રણ ઉત્સવ – એક અનન્ય અને અવિસ્મરણીય અનુભવ
કચ્છમાં ઉજવાતો રણ ઉત્સવ દેશ અને દુનિયામાં એક આગવું આકર્ષણ ધરાવે છે અને પ્રવાસીઓને યાદગાર અનુભવ આપવામાં મોખરે છે. કચ્છ રણ ઉત્સવની મુલાકાત લેવા માટે અગાઉથી આયોજન કરવું જરૂરી છે. શિયાળાના મહિનાઓ નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય છે જ્યારે હવામાન ખુશનુમા હોય છે અને તહેવાર પૂરજોશમાં હોય છે. રણના વાતાવરણમાં આરામદાયક રોકાણ સુનિશ્ચિત કરવા માટે આરામદાયક કપડાં, સનસ્ક્રીન અને ટોપીઓ જેવી આવશ્યક વસ્તુઓને પેક કરવાની સલાહ આપવામાં આવે છે. દરેક પ્રકારની ઉત્તમ સુવિધાઓ અને સાંસ્કૃતિક સુવાસનો સમન્વય આપ અહીંયા માણી શકો છો . કાળો ડુંગર ,સફેદ રણ ,કચ્છીભરત કામ અને કારીગરી સાથે સવારે સુર્યોદય અને સાંજે સુર્યાસ્તને માણવાની તક આપને અહીંયા જ મળશે. આંખ જોઈ શકે ત્યાં સુધી વિસ્તરેલા સફેદ રણના મંત્રમુગ્ધ દૃશ્યના સાક્ષી બનવાની તક છે. વધુમાં, આ ઉત્સવ પરંપરાગત કળા, હસ્તકલા, કાપડનું પ્રદર્શન કરીને ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસામાં પોતાને લીન કરવાની તક આપે છે. તો જલ્દી થી આપનો રણ ઉત્સવ માટેનો પ્લાન બનાવી એક અલગ અનુભૂતિ માટે તૈયાર થઇ જાઓ . ક્યુકી કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા.