મનપા દ્વારા શહેરના 1,45,000 નળ જોડાણમાં એકાંતરા થઈ રહ્યું છે પાણી વિતરણ
જામનગર શહેરના જીવાદોરી સમાન રણજિતસાગર અને સસોઈડેમ છલકાઈ ગયા છે, ઉપરાંત ઉંડ-2 અને આજી-3માં પણ પર્યાપ્ત માત્રામાં પાણી આવી ગયું હોવાથી જામનગર શહેર માટે દોઢ વર્ષ સુધી એકાંતરા પાણી વિતરણ કરી શકાય તેટલો જથ્થો ચારેય ડેમોમાં સંગ્રહ થઈ ગયો છે. જેથી જામનગર મહાનગરપાલિકાના તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ જામનગર શહેરના 1 લાખ 45 હજાર નળ જોડાણમાં કુલ 145 એમએલડી પાણી એકાંતરા આપવામાં આવી રહ્યું છે. અને 45 મિનિટ સુધી પાણીનું વિતરણ થાય છે.
જામનગર શહેરના જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ માં પાણી ધરખમ આવક થઈ ગઈ હોવાથી અને તે ડેમમાંથી પ્રતિદિન 25 એમ.એલ.ડી. પાણી ઉપાડવામાં આવી રહ્યું છે. તે જ રીતે ગઈકાલે રાત્રે સસોઈ ડેમ પણ ઓવરફ્લો થઈ જતાં તેમાંથી પણ 25 એમએલડી પાણી ઉપાડવામાં આવી રહ્યું છે.
જયારે ઊંડ -2 અને આજી -3 કે જે બંને ડેમો પણ પર્યાપ્ત માત્રામાં ભરાઈ ગયા છે. જોકે ઉન્ડ-1 ડેમમાંથી તો પાણી પણ છોડવામાં આવી રહ્યું છે. જયારે આજી -3 માં ઉપરવાસના વરસાદના કારણે હજુ પાણીની આવક થઈ રહી છે. પરંતુ વધુ પાણી આવશે તો ડેમ ના પાટીયા ખોલીને પાણી છોડવાનો વારો આવશે.
જેથી જામનગર શહેર માટે હાલ દોઢ વર્ષ સુધી એકાંતરા પાણી આપી શકાય તેટલો પર્યાપ્ત માત્રામાં પાણી નો જથ્થો ચારેય જળાશયો માં એકત્ર થઈ ચૂક્યો છે.
જામનગર મહાનગરપાલિકા ના મ્યુનિ કમિશનર ડી. એન. મોદી. ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર ભાવેશ જાની તેમજ વોટર વર્ક્સ શાખાના અધિકારી નરેશ પટેલ વગેરે દ્વારા સમગ્ર પાણી વિતરણ વ્યવસ્થા નું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. હાલમાં જુદા જુદા નવ જેટલા જોન પાડવામાં આવ્યા છે, અને તે મુજબ પ્રતિદિન 145 એમએલડી પાણી ઉપાડવામાં આવે છે. જેમાં નર્મદા કેનાલમાંથી પણ 25 એમ.એલ.ડી. પાણીનો જથ્થો મેળવાઈ રહ્યો છે. જે તમામ પાણી ફિલ્ટર કર્યા પછી શહેરના અલગ અલગ ઝોનમાં એકાંતરા પાણી વિતરણ કરવામાં આવે છે, અને 45 મિનિટ સુધી પાણીનું વિતરણ થાય છે. હાલમાં શહેરમાં કુલ 1,45,000 જેટલા નળ જોડાણ ચાલુ છે, અને શહેરના બાકી અન્ય વિસ્તારોમાં પણ પાઇપલાઇન બીછાવવાની કામગીરી ચાલુ છે. જોકે નવા ભળેલા વિસ્તારમાં હાલમાં 90 જેટલા ટેન્કર ના ફેરાની મદદથી પાણી વિતરણ થઈ રહ્યું છે.
જે ટૂંક સમયમાં પાઇપ લાઇન ની કામગીરી પૂર્ણ થયા પછી તેઓને પણ નળ વાટે પાણી મળતું થઈ જશે, તેમ જાહેર કરાયું છે.